ગંભીરા બાદ જૂનાગઢના માંગરોળમાં બ્રિજનો વિવાદ, જાણો તંત્રએ શું આપ્યો જવાબ
Mangrol Bridge Demolished Not Collapsed:જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક-આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરિત પુલ તૂટવાની ઘટનામાં તંત્રનું કહેવું છે કે આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની સૂચનાથી સમગ્ર રાજ્યમાં જર્જરિત પુલોનું નિરીક્ષણ અને રોડ રસ્તા રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ કેટલાક પુલો નિરીક્ષણના અંતે બંધ કરાવવામાં આવ્યા હતા. આ પુલમાં સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મરામતની કામગીરી પણ શરુ કરવામાં આવી હતી.
જોકે માંગરોળ નજીક પુલનો સ્લેબ તૂટવાના બનાવ અંગે જૂનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક એન્જિનિયર અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોળ નજીક આજક આંત્રોલી વચ્ચે આવેલ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરિત જણાતાં તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. બ્રેકર મશીનથી પુલ તોડી પાડવાની આ કામગીરી ચાલતી હતી, તે દરમિયાન પુલના સ્લેબનો એક મોટો ભાગ નીચે પડ્યો હતો. જેમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી.
આ પણ વાંચો: VIDEO: ગંભીરા બાદ જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો, માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બની ઘટના
કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને બાંધકામ વિભાગના અધિકારીઓ સ્થળ પર જવા રવાના થયા છે. કલેકટરે જણાવ્યું હતું કે જિલ્લામાં લોકોની સલામતી માટે જર્જરિત જણાતા હોય તેવા પુલોની સમીક્ષા કરીને યોગ્ય કામગીરી કરાઈ રહી છે. તેના ભાગરૂપે આ પુલનું સમારકામ કરાયું હતું. હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.