ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રવાસીઓને પીવા અને સિંચાઇ માટે મળશે નર્મદાનું પાણી, સરકારે ખેડૂતોની રજૂઆત સાંભળી
Narmada Water News: ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ - તળાવ ભરવા સાથે લોકોને પીવાના પાણીની સમસ્યા પણ ન રહે તે માટે સરકારે નર્મદા જળ વિતરણનો નિર્ણય લીધો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો- અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતોનો સરકાર દ્વારા પ્રતિસાદ આપતા તેમણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.
આગામી 30મી જુન 2025 સુધી નર્મદાનું 30,689 MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, ઉત્તર ગુજરાત માટે નર્મદાનું 14,539 MCFT અને સૌરાષ્ટ્ર માટે 16,150 MCFT પાણી આપવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનો સહિત 103 અમૃત સ્ટેશનોનું PM મોદીએ કર્યું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન
નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્ધવહન પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાતના 950થી વધુ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેન્ડીંગ કેનાલથી આ પાણી પુરક સિંચાઈ અને પીવાના હેતુસર અપાશે. એટલું જ નહીં સૌરાષ્ટ્ર વિસ્તારના 243 તળાવો અને 1820 ચેકડેમમાં નર્મદા જળ પહોંચાડવામાં આવશે. સરકારના આ નિર્ણયના લીધે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ 60 હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ મળતો થશે.