ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનો સહિત 103 અમૃત સ્ટેશનોનું PM મોદીએ કર્યું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન
Amrit Bharat Station: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બિકાનેર ખાતે 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોના 86 જિલ્લામાં રિડેવલપ કરાયેલા 103 અમૃત સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે. કરણી માતાના મંદિરના દર્શન કર્યા બાદ PM મોદીએ કુલ રૂ. 26000 કરોડના ખર્ચે થયેલા અમૃત રેલવે સ્ટેશન ખુલ્લા મુક્યા હતાં. આ પ્રોજેક્ટમાં 1000 કિલોમીટરનો રેલવે ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાત મોટા રોડ પ્રોજેક્ટ ત્રણ વ્હિકલ અંડરપાસ, પાવરગ્રીડ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ અને રાજસ્થાનનો 900 કિ.મી. નેશનલ હાઈ-વેના કામકાજ સામેલ હતા.
આ યોજનાનો ઉદ્દેશ દેશભરમાં 1,300થી વધુ રેલવે સ્ટેશનોને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવાનો છે. જેમાં ગુજરાત સહિત આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના વિવિધ સ્ટેશનોનો સમાવેશ થાય છે.
ગુજરાતના આ સ્ટેશનોનો કાયાકલ્પ
સામખીયાળી, મોરબી, હાપા, જામ વંથલી, કાનાલુસ, ઓખા, મીઠાપુર, રાજુલા, સિહોર, પાલીતાણા, મહુવા, જામ જોધપુર, લીંબડી, દેરોલ, કરમસદ, ઉત્રાણ, કોસંબા અને ડાકોર સહિતના સ્ટેશનોનો કાયાકલ્પ કરાયો છે.
અમૃત ભારત સ્ટેશન યોજના
રેલવે મંત્રાલય દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 1300 રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવાનો લક્ષ્યાંક છે, જેને એકીકૃત ટ્રાન્સપોર્ટ હબ બનાવાશે. આ યોજના હેઠળ જ આજે વડાપ્રધાને રિડેવલપમેન્ટ કરાયેલા 103 રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું છે.
રેલવેના વિકાસ માટે રૂ. 10,000 કરોડની ફાળવણી કરાશે
કેન્દ્ર સરકાર રેલવેના વિકાસ માટે વધારાના રૂ. 10,000 કરોડની ફાળવણી કરશે. આ રકમ 2014ની તુલનામાં 15 ગણી વધુ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવી રીતે બનાવેલા દેશનોક રેલવે સ્ટેશનનું પણ ઉદઘાટન કર્યું. આ સ્ટેશન રૂ. 1100 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશનોક સ્ટેશન પર બિકાનેરથી મુંબઈ જનારી ટ્રેનને પણ લીલી ઝંડી બતાવીને રવાના કરી.
અમૃત સ્ટેશનોથી રોજગારી-પ્રવાસન પણ વધશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમૃત સ્ટેશનોનોથી રોજગારી અને પ્રવાસનમાં પણ વધારો થશે. આ પ્રકારના વિકાસકાર્યોથી જરૂરિયાતમંદોને પણ ફાયદો થશે. ખેડૂતોના પાક પણ સરળતાથી બજારો સુધી પહોંચશે અને નાના-મોટા ઉદ્યોગોને પણ લાભ મળશે.