Narmada Temple Tiger Parts Case: નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલ ધરમેશ્વર મહાદેવ મંદિરમાંથી વાઘના અંગોનો મોટો જથ્થો મળી આવતા સમગ્ર રાજ્યમાં વન્યજીવ તસ્કરીનું મોટું નેટવર્ક હોવાની આશંકા સેવાઈ રહી છે. ગુજરાતમાં પ્રથમવાર આટલી મોટી માત્રામાં વાઘના ચામડા અને નખ મળી આવતાં હવે કેન્દ્રીય તપાસ એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) પણ તપાસમાં જોડાઈ છે અને મધ્ય પ્રદેશથી USA સુધી તપાસનો ધમધમાટ શરુ કરાયો છે.

કઈ રીતે થયો ઘટસ્ફોટ?
મળતી માહિતી અનુસાર, રાજપીપળાના ધરમેશ્વર મહાદેવ મંદિરમાં વર્ષોથી મહારાજ માધવાનંદ સ્વામી રહેતા હતા, જે મૂળ મધ્ય પ્રદેશના હતા. સાતમી જુલાઈ 2025ના રોજ મહારાજ દેવલોક પામ્યા હતા. તેમના નિધન બાદ મંદિરના ટ્રસ્ટીઓએ જ્યારે મહારાજના જૂના રૂમની સફાઈ અને તપાસ હાથ ધરી, ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. રૂમમાંથી વન્યજીવોના અંગો મળી આવતા વન વિભાગને જાણ કરાઈ હતી. રેન્જ ફોરેસ્ટ ઑફિસર (RFO) જીગ્નેશ સોની અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન વાઘના આખા ચામડાના 37 નંગ, ચામડાના ટુકડા 04 નંગ અને વાઘના નખ 133 નંગ મળી આવ્યા હતા.

તપાસમાં નવા વળાંક
વન વિભાગ અને IBની સંયુક્ત તપાસમાં મહારાજ માધવાનંદ સ્વામીનો પાસપોર્ટ મળી આવ્યો છે. પાસપોર્ટની તપાસ કરતાં મહારાજ 12 ફેબ્રુઆરી 1977ના રોજ USA (અમેરિકા) ગયા હતા. હવે તપાસ એજન્સીઓ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું વાઘના આ ચામડા અને નખનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે તસ્કરી માટે કરવામાં આવતો હતો? અમેરિકામાં મહારાજ કોના સંપર્કમાં હતા અને ત્યાં આ વસ્તુઓ મોકલવામાં આવતી હતી કે કેમ, તેની ઊંડી તપાસ શરુ થઈ છે.
બીજી તરફ મહારાજ મૂળ મધ્ય પ્રદેશના હોવાથી વન વિભાગની એક ટીમ મધ્ય પ્રદેશ રવાના કરવામાં આવી છે. મહારાજના ભૂતકાળ અને તેમના નેટવર્કને ખંગાળવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવવા તે વન્યજીવ પ્રેમીઓ અને તંત્ર માટે ચિંતાનો વિષય છે.


