Amreli: રાજ્યમાં નાની વયના યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે જાફરાબાદમાં વધુ એક આશાસ્પદ યુવાનનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. જાફરાબાદમાં ટ્રાફિક બ્રિગેડ (TRB) માં ફરજ બજાવતા અને પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા 24વર્ષીય યુવાનનું ચાલતા-ચાલતા હાર્ટએટેક આવતા મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જાફરાબાદમાં રહેતા હર્ષ મકવાણા (ઉંમર 24 વર્ષ) નામના યુવાનને સવારના સમયે વોકિંગ કરતી વખતે અચાનક છાતીમાં સખત દુખાવો ઉપડ્યો હતો. યુવાનની તબિયત લથડતા તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તોડ્યો દમ
યુવાનની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે જાફરાબાદથી રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યો હતો. જોકે, કિસ્મતને કંઈક જુદું જ મંજૂર હતું. રાજુલા પહોંચતા પહેલા રસ્તામાં જ હર્ષે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલ પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ બનવાનું સ્વપ્ન અધૂરું રહ્યું
મૃતક હર્ષ મકવાણા જાફરાબાદમાં TRB જવાન તરીકે ફરજ બજાવતો હતો અને સાથે-સાથે તે પોલીસ ભરતી માટેની સખત તૈયારી પણ કરી રહ્યો હતો. ખાખી વર્દી પહેરવાનું તેનું સ્વપ્ન પૂરું થાય તે પહેલા જ કાળનો પંજો તેને ખેંચી ગયો હતો.
પરિવારમાં માતમનો માહોલ
માત્ર 24 વર્ષની નાની ઉંમરે ઘરના જુવાનજોધ દીકરાના મોતથી મકવાણા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર જાફરાબાદ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


