Gujarat

'ચૈતર વસાવા પહેલા માહિતી માગે અને પછી તોડપાણી કરે...', સાંસદ મનસુખ વસાવાના AAP MLA પર ગંભીર આક્ષેપ

By GS TEAM
22 Dec 20253 mins read
TukuTouch Logo
દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના બે મોટા નેતાઓ મનસુખ વસાવા અને ચૈતર વસાવાનો વિવાદ ફરી ઉકળ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારી પાસેથી 75 લાખ રૂપિયા માંગ્યાનો દાવો કરતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. 17 દિવસ પહેલા મનસુખ વસાવા કોઈ આધાર પુરાવા વગર આરોપોની વણઝાર કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'ચૈતર વસાવા પહેલા માહિતી માગે અને પછી તોડપાણી કરે...', સાંસદ મનસુખ વસાવાના AAP MLA પર ગંભીર આક્ષેપ

Narmada News: દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના બે મોટા નેતાઓ મનસુખ વસાવા અને ચૈતર વસાવાનો વિવાદ ફરી ઉકળ્યો છે. ભરુચના સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારી પાસેથી 75 લાખ રુપિયા માંગ્યાનો દાવો કરતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. 17 દિવસ પહેલા મનસુખ વસાવા કોઈ આધાર પુરાવા વગર આરોપોની વણઝાર કરી હતી. 

અધિકારી પાસે 75 લાખની માંગણી કરી

બાદમાં આજે (22 ડિસેમ્બર) મનસુખ વસાવાએ કયા વિભાગના અધિકારી પાસે ચૈતર વસાવાએ તોડપાણી માટે રુપિયા માગ્યા તેનો ઉલ્લેખ કર્યો હતો, અને કલેકટરે તેમને ફરિયાદ કરી હોવાનો દાવો માંડ્તા કહ્યું કે માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી ચૈતર વસાવાએ 75 લાખની માંગણી કરી હતી. જેમને કલેકટરને રજૂઆત કરી હતી, તે બાદ કલેકટરે મને(મનસુખ વસાવા)ને સમગ્ર વાત કરી હતી. સાથે જ આરોપ કર્યો હતો કે ચૈતર વસાવાને ટેવ પડી ગઈ છે કે પહેલા મુદ્દો ઉછાડવાનો બાદમાં તોડપાણી કરી લેવાના!

ચૈતર વસાવા પર સનસનીખેજ આરોપ

મહત્ત્વનું છે કે નર્મદા જિલ્લાના રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા હતા તેના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર અધિકારીઓ પર દબાણ બનાવતા હોવાની વાત કરી હતી અને કહ્યું હતું કે ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે સરકારી કામો અને ગ્રાન્ટની માહિતીની માંગણી કરી હતી જે માહિતી આપી દેવાતા બાદમાં અધિકારીઓને ડરાવી તોડપાણીનો પ્રયાસ કર્યો હતો.

'એક પણ પૈસો આપવાનો નથી'

આ સમગ્ર વિવાદનું વર્ણન કરતાં મનસુખ વસાવાએ કહ્યું કે  'ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે 75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રુપિયા કાઢવા કઈ રીતે? એ પછી તેમણે કલેકટરને રજૂઆત કરી હતી. બાદમાં મને કીધું, મારી સાથે જિલ્લા પ્રમુખ પણ હાજર હતા. અમારી ઉપસ્થિતિમાં કલેક્ટરે અને કાર્યપાલક ઈજનેરે વાત કરી અમે સ્પષ્ટ ના પાડી દીધી કે તમારે ગભરાવાની જરુર નથી, એક પણ પૈસો કોઈને પણ આપવાનો નથી ચૈતર વસાવાને એક ટેવ પડી ગઈ છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી, કલેક્ટર જેવી જવાબદાર વ્યક્તિ ક્યારેય ખોટું ન બોલે, ચૈતર વસાવા વારંવાર ખોટા આક્ષેપો કરતાં હોવાથી મારે હવે તેમને ખુલ્લા પાડવાની ફરજ પડી છે.'

આ પણ વાંચો: નર્મદા: મનસુખ વસાવાના 'તોડકાંડ' આક્ષેપ સામે ચૈતર વસાવાનો વળતો પ્રહાર, રુ.10 કરોડના કમલમ પર ઉઠાવ્યા સવાલ!

પુરાવા શોધી કાર્યવાહી કરો: ચૈતર વસાવા

તો મનસુખ વસાવાના આક્ષેપોને ચૈતર વસાવાએ પાયા વિહોણા ગણાવતા કહ્યું હતું કે 'અમે તમામ કાર્યવાહી માટે તૈયાર છીએ, અધિકારીઓ સરકારના છે કોઈપણ તપાસ માટે અમે તૈયાર છીએ, તમામ ભાજપ સાથે સંકળાયેલા છે આ એજન્સીઓ પણ બધી ભાજપના લોકોની છે. સરકાર એમની છે, પોલીસ એમની છે, કોઈપણ અધિકારીને આ કાર્યક્રમોને લઈને અમે કોઈ જાતના પૈસા માંગ્યા હોય તો એ લોકો ચૈતર વસાવા પર કાયદેસરની કાર્યવાહી કરે, અમે કહીએ છીએ કે જો આ પ્રકારના પુરાવા એમની પાસે હશે તો અમારા પર કાયદેસરની કાર્યવાહી કરે સરકાર જે કાર્યવાહી કરશે અમે સહજતાથી સ્વીકારી લઈશું' ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના મળતિયાઓને કામ મળ્યા હતા, આ મુદ્દે મનસુખ વસાવાએ પડકાર ફેંકયો કે 'ચૈતર વસાવા યાદી આપે કે કયા ભાજપના મુરતિયાને કામ મળ્યું છે? ખોટી વાતો કરવાને બદલે પુરાવા રજૂ કરે.'