નર્મદાના સાગબારા-ડેડિયાપાડામાં મેઘમહેર: ચોપડવાવ ડેમ છલકાયો, ખેડૂતોમાં ખુશીનો માહોલ
Narmada Monsoon: નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડિયાપાડા પંથકમાં ચોમાસાની સિઝનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેના કારણે સાગબારાનો ચોપડવાવ ડેમ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો છે. છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, સાગબારા અને ડેડિયાપાડાના ઉપરવાસમાં થયેલા સારા વરસાદને કારણે સ્થાનિક નદી-નાળામાં નવા નીર આવ્યા છે. પરિણામે, ચોપડવાવ ડેમની મહત્તમ સપાટી 187.45 મીટર છે, જે આજે સવારથી જ વટાવી ચૂકી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની જોરદાર આવક થતાં તે છલકાયો છે. આગામી દિવસોમાં જો વધુ વરસાદ પડશે તો પાણીની આવકમાં વધારો થવાની શક્યતા છે.
આ પણ વાંચો: ગંભીરા બાદ જૂનાગઢના માંગરોળમાં બ્રિજ તૂટી પડવા અંગે તંત્રએ જુઓ શું આપ્યો જવાબ
ડેમ છલકાવાથી સાગબારા અને ડેડિયાપાડાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સિઝનની શરુઆતમાં જ ડેમ ઓવરફ્લો થવાથી સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે, જે ખરીફ પાકની વાવણી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. જેના કારણે ભૂગર્ભ જળ રિચાર્જ થવામાં પણ મદદ મળશે અને ઉનાળામાં પાણીની સમસ્યા હળવી કરશે.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. ખેડૂતો હવે તેમના પાકને લઈને આશાવાદી બન્યા છે અને સારા ઉત્પાદનની આશા સેવી રહ્યા છે.