નર્મદા ઘાટ દુર્ઘટના: 3 શ્રમિકોના મોત મામલે એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો

Narmada News: નર્મદા જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલા ગોરા ઘાટ ખાતે ચાલી રહેલી નવીનીકરણની કામગીરી દરમિયાન રવિવારે (26મી ઓક્ટોબર) દુર્ઘટના સર્જાઈ છે. નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા અકતેશ્વર ગામમાં 3 સ્થાનિકો શ્રમિકોના મૃત્યું નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને દટાયેલા ત્રણેય શ્રમિકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ આ મામલે પોલીસે ઈંફા એજન્સી તથા કોન્ટ્રાક્ટર શૈલેષ પટેલ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી
નદીના કિનારે આવેલા ગોરા ઘાટ પર સર્જાયેલી ગંભીર દુર્ઘટના બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એમ ઈંફા એજન્સી અને કોન્ટ્રાક્ટર શૈલેષ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 106(1) (બેદરકારીથી મૃત્યુ) અને 54 (સલામતીના નિયમોનું ઉલ્લંઘન) મુજબ ફરિયાદ નોંધી છે અને આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

સ્થાનિક લોકોમાં રોષ
મળતી માહિતી મુજબ, વરસાદી માહોલ વચ્ચે નદીના કિનારે આવેલા ગોરા ઘાટ ખાતે નવીનીકરણની કામગીરી દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે જો વરસાદ બંધ થયા બાદ કામગીરી શરૂ કરી હોત અથવા સુરક્ષાના પૂરતા પગલાં લીધા હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત. આ ગમગીન ઘટનાને પગલે રાજકીય નેતાઓ પણ ઘટનાસ્થળે અને ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ જોવા મળ્યા હતા.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના નામ
રોહિત રણછોડ તડવી (ઉં.વ. 45)
દિપક ભાણાભાઈ તડવી (ઉં.વ. 40)
શૈલેષ કનુ તડવી (ઉં.વ. 37)

