ગુજરાત મંત્રીમંડળ: વાઘાણીને મળી શકે છે આ ખાસ પદ, બે ઉપદંડક અને જિલ્લા પ્રભારી બદલવા કવાયત શરુ

Gujarat Politics: નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ હવે વિધાનસભા શાસક પક્ષનાં બે ઉપદંડકની નિયુક્તિ થશે. બે ઉપદંડકને મંત્રીપદ અપાયું છે ત્યારે હવે ઉપદંડકની જગ્યા ખાલી પડી છે જેના કારણે લાભપાંચમ પછી ગમે તે ઘડીએ બે ઉપદંડકપદે નિમણૂંક કરવામાં આવી શકે છે. કૌશિક વેકરિયા અને રમણ સોલંકીના સ્થાને કોને ઉપદંડકપદે જવાબદારી સોંપવામાં આવશે તે મુદ્દે રાજકીય અટકળો વહેતી થઈ છે. આ ઉપરાંત જિલ્લા પ્રભારી બદલવા માટે કવાયત શરુ કરાઈ છે.
ઉપદંડકની જગ્યા ખાલી
પહેલીવાર એવું થયું છે કે, ભાજપના બે વર્તમાન ઉપદંડકને મંત્રીપદ અપાયું છે. ઉપદંડક રમણ સોલંકીને કેબિનેટ મંત્રી બનાવાયા છે જ્યારે કૌશિક વેકરિયાને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળવું એ રાજકીય પંડિતોને અચંબો પમાડે તેમ છે. કારણ કે, પાયલ ગોટી પ્રકરણમાં વેકરિયાને લીધે જ સરકારના માથે માછલા ધોવાયા હતા. પાટીદારોની નારાજગી વ્હોરવી પડી હતી. એ તો ઠીક, મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં જ ખુદ સી. આર. પાટીલ સાથે વેકરિયાને ફોન પર ખરુખોટું સાંભળવુ પડ્યું હતું. આ જોતાં વેકરિયાની તો ઉપદંડક પદેથી પણ વિદાય નક્કી હતી. આમ છતાંય તેમની લોટરી લાગી છે. હવે જ્યારે રમણ સોલંકી અને કૌશિક વેકરિયાને મંત્રી બનાવાયા છે ત્યારે બે ઉપદંડકની જગ્યા ખાલી પડી છે. લાભપાંચમ પછી ગમે તે ઘડીએ શાસક પક્ષ બાદ વધુ બે ઉપદંડકની નિયુક્તિ કરાશે તેવું જાણવા મળ્યું છે. મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને કચ્છને મહત્ત્વ અપાયું છે ત્યારે જાતિગત અને રાજકીય સમીકરણને ધ્યાનમાં રાખી બે ઉપદંડકની નિમણૂંક કરાશે. હાલ મધ્ય ગુજરાતમાંથી ઉપદંડકની પસંદગી થાય તેવી અટકળો છે.
જીતુ વાઘાણીનું રાજકીય કદ વધ્યું
આ ઉપરાંત નવા મંત્રીમંડળમાં રિ-એન્ટ્રી મારતા જીતુ વાઘાણીનું રાજકીય કદ વધ્યું છે. ઋષિકેશ પટેલના સ્થાને હવે વાઘાણી સરકારના મુખ્ય પ્રવક્તામંત્રી બની શકે છે. મંત્રીમંડળમાં થયેલાં ફેરફાર બાદ જિલ્લા પ્રભારી મંત્રી બદલવા પણ કવાયત હાથ ધરાઈ છે. 10 મંત્રીઓને પડતા મૂકાયા છે ત્યારે 20 જિલ્લામાં ફરીથી પ્રભારી મંત્રીની નિમણૂંક કરવી પડે તેમ છે.

