Gujarat

નર્મદા ડેમ છલકાયો: જળ સપાટી 138.68 મીટરને પાર, 78,282 ક્યુસેક પાણીની આવક

By GS TEAM
1 Oct 20252 mins read
TukuTouch Logo
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ફરી એકવાર છલકાઈ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ રહેતા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો, અને આજે ચોમાસામાં પહેલીવાર 138 મીટરનો આંકડો પાર કરીને ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર (455 ફૂટ) પર પહોંચ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદા ડેમ છલકાયો: જળ સપાટી 138.68 મીટરને પાર, 78,282 ક્યુસેક પાણીની આવક

Narmada Dam Water Leval: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ફરી એકવાર છલકાઈ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ રહેતા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો, અને આજે ચોમાસામાં પહેલીવાર 138 મીટરનો આંકડો પાર કરીને ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર (455 ફૂટ) પર પહોંચ્યો છે.

પાણીની આવક અને જાવક

ઉપરવાસમાંથી હાલ 78,282 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે નર્મદા ડેમમાંથી કુલ 47,177 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે, જેમાં રીવર બેડ પાવર હાઉસ(RBPH)માંથી 42,000 ક્યુસેક અને કેનાલ હેડ પાવર હાઉસ(CHPH)માંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જવાથી આવતા ચોમાસા સુધી ગુજરાતના કરોડો લોકોને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે, જેના કારણે પાણીની ચિંતા હળવી થઈ છે.


છ વર્ષમાં છઠ્ઠીવાર ડેમ છલકાયો

વર્ષ 2017 બાદ નર્મદા ડેમ અત્યાર સુધીમાં કુલ છ વખત તેની મહત્તમ સપાટીએ ભરાયો છે, જેમાં વર્ષ 2019, 2020, 2022, 2023, 2024 અને આ વર્ષ 2025નો સમાવેશ થાય છે. હાલની સપાટી 138.68 મીટર પર ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા 9460 મિલિયન ઘન મીટર છે.

વીજળી ઉત્પાદનમાં રૅકોર્ડ સર્જ્યો

ચાલુ ચોમાસામાં નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા કુલ 302 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે. સપ્ટેમ્બર 2025માં માસિક વીજળી ઉત્પાદન 105 કરોડ યુનિટ જેટલું વિક્રમી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 6,810 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે.


સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને પાણી

ચાલુ વર્ષે સુજલામ-સુફલામ અને સૌની યોજના હેઠળ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે. ચાલુ જળ વર્ષમાં 98 MCM (3431 MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને 877 તળાવો ભરવામાં આવ્યા છે. સૌની યોજના અંતર્ગત 114 MCM (3992 MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે, જેનાથી 36 તળાવો, 325 ચેકડેમ અને 31 ડેમ ભરાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 162 તળાવો, 1104 ચેકડેમ અને 30 ડેમ ભરવામાં આવ્યા છે.

નદીઓને પુનર્જીવિત કરાઈ

આ વર્ષે નર્મદા બંધના ઓવરફ્લો દરમિયાન રાજ્યની 10 નદીઓ જેવી કે પુષ્પાવતી, રૂપેણ, બનાસ, સરસ્વતી, સાબરમતી, વાત્રક, કુણ, કરાડ, દેવ અને હેરણ નદીઓમાં પાણી વહેવડાવી તેમને પુનર્જીવિત કરવામાં આવી છે. નર્મદા યોજના દ્વારા 10,453 ગામો, 190 શહેરો અને 7 મહાનગર પાલિકાઓ મળીને ગુજરાતની આશરે 4 કરોડની પ્રજાને નર્મદાનું પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.