Narmada Collector Accepts Mansukh Vasava Statement : ભરુચના સાંસદ મનસુખ વસાવાએ AAPના ધારાસભ્ય ચૈતર વસાવા પર અધિકારી પાસેથી 75 લાખ રુપિયાનો તોડ કર્યાનો સનસનીખેજ આરોપ લગાવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ચૈતર વસાવાએ 75 લાખ માગ્યા હોવાની મનસુખ વસાવાની વાત નર્મદા જિલ્લા કલેક્ટરે સ્વીકારી છે. જ્યારે AAP MLAએ પ્રતિક્રિયા આપી હતી કે, 'કલેકટર પર દબાણ કરવામાં આવ્યું, માટે કલેક્ટરે પોતાની વાત ફેરવી તોડવી પડી.'
'75 લાખ ચૈતર વસાવાએ માગ્યા હતા...'
સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કરેલા આક્ષેપને લઈને નર્મદા જિલ્લા કલેક્ટર સંજય મોદીએ યુટર્ન લીધો છે. 75 લાખના તોડ કાંડ મુદ્દે મનસુખ વસાવા આજે(26 ડિસેમ્બર) નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટર ઓફિસમાં મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ નીલ રાવે મિટિંગ યોજી હતી. આ દરમિયાન કલેક્ટર સ્વીકાર્યું હતું કે, '75 લાખ ચૈતર વસાવાએ માગ્યા હતા.'
તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા સાંસદના આક્ષેપ પર ચૈતર વસાવા કલેકટરને મળ્યા હતા. ત્યારે કલેક્ટરે 75 લાખ રૂપિયાની વાતને ખોટી કહી હતી. જ્યારે આજે ક્લેક્ટર કહ્યું કે, રાજપીપળા નહીં પણ કેવડિયા હેલિપેડ પર વાત કહી હતી.
મનસુખ વસાવાએ શું કહ્યું?
મનસુખ વસાવાએ કહ્યું કે, મારી સાથે ભાજપ પાર્ટી છે અને સરકાર સાથે છે મને વિશ્વાસ છે. આજે મારે સાથે જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તા આવ્યા છે. મેં કહ્યું જ હતું કે, ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ. પણ આજે જિલ્લા કલેકટરે પણ મારી વાતને સાચી માની છે. એટલે હવે હું પાર્ટી સાથે જ છું.
ચૈતર વસાવાએ આપી પ્રતિક્રિયા
ભરૂચ સાંસદ અને ડેડિયાપાડાના ધારાસભ્ય વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર યથાવત છે. ગતરોજ ચૈતર વસાવા કલેક્ટર સમક્ષ પોતાના પર લાગેલા લાખોના તોડ અંગેનો ખુલાસો કરવા પહોંચ્યા હતા. જે બાદ આજે ચૈતર વસાવાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે, 'કલેકટર પર દબાણ કરવામાં આવ્યું, માટે કલેક્ટરે પોતાની વાત ફેરવી તોડવી પડી.'
બંધારણીય પદ પર બેસીને બે મોઢાની વાત કરો નહીં
ચૈતર વાસાએ જણાવ્યું કે, સરકારે કલેકટરને સત્તા સામે શાણપણ સારું ન લાગે તેમ કહ્યું. અમને મળતી માહિતી અનુસાર કલેક્ટરને ED સુધીની ધમકી આપવામાં આવી છે. મનસુખભાઈ મારા પર જે 75 લાખનો તોડનો આરોપ લગાવ્યો હતો તેને કલેક્ટરે અગાઉ નકારી કાઢ્યો હતો. કલેકટરને અમારી અપીલ કે તમે નીડર રહો, અમે તમારી સાથે છીએ. કલેક્ટર જો આજે મનસુખભાઈની વાતને સમર્થન આપતા હોય તો એમને કહીશ કે બંધારણીય પદ પર બેસીને બે મોઢાની વાત કરો નહીં.
શું છે 75 લાખના તોડનો આરોપ?
સોમવારે (22 ડિસેમ્બર) મનસુખ વસાવાએ ધડાકો કરતાં જણાવ્યું હતું કે, ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી 75 લાખ રુપિયાની માંગણી કરી હતી. તેમના દાવા મુજબ, ચૈતર વસાવાએ આ વિભાગના અધિકારી પાસે સરકારી કામો અને ગ્રાન્ટની માહિતી માંગી હતી. માહિતી મળ્યા બાદ, તેમણે અધિકારીને ડરાવી-ધમકાવીને 75 લાખ રુપિયાની માંગણી કરી હતી. મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે, ચૈતર વસાવાને ટેવ પડી ગઈ છે કે પહેલા મુદ્દો ઉછાળવાનો અને બાદમાં તોડપાણી કરી લેવાના.


