Get The App

'એમને મેં જ ધારાસભ્ય બનાવ્યા...', ભાજપ MLA દર્શના દેશમુખે માનહાનિનો દાવો કરવાનું કહેતા સાંસદ મનસુખ વસાવાએ કર્યો પલટવાર

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
'એમને મેં જ ધારાસભ્ય બનાવ્યા...', ભાજપ MLA દર્શના દેશમુખે માનહાનિનો દાવો કરવાનું કહેતા સાંસદ મનસુખ વસાવાએ કર્યો પલટવાર 1 - image


Narmada BJP controversy: ગુજરાતમાં સાંસદ અને ધારાસભ્ય સામસામે આવી જતાં નર્મદા જિલ્લા ભાજપમાં ઉકળતા ચરું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નામ લીધા વગર ભાજપ નેતાઓ AAP સાથે ભળેલા હોવાનો દાવો કર્યો હતો જે બાદ નર્મદા નાંદોદના ભાજપના જ ધારાસભ્ય ડૉ. દર્શનાબહેને પડકાર ફેંકતા મોટો ભડકો થયો હતો. આજે જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ તમને ધારાસભ્ય જ મેં બનાવ્યા છે કહી બળતામાં ઘી હોમ્યું હતું. 

વિવાદનું મૂળ શું?

ભરુચના સિનિયર સાંસદ મનસુખ વસાવા દ્વારા ભ્રષ્ટાચાર મામલે કરવામાં આવેલા આક્ષેપો બાદ, નાંદોદના ભાજપના જ ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખે આજે મૌન તોડીને સાંસદ સામે ગંભીર પડકાર ફેંક્યો છે. મનસુખ વસાવાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં નનામા પત્રના આધારે આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા, જેના જવાબમાં ડૉ. દર્શનાબહેન દેશમુખે સાંસદને કાં તો ભ્રષ્ટાચાર સાબિત કરવા અથવા માનહાનિના દાવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.

'એમને મેં જ ધારાસભ્ય બનાવ્યા...', ભાજપ MLA દર્શના દેશમુખે માનહાનિનો દાવો કરવાનું કહેતા સાંસદ મનસુખ વસાવાએ કર્યો પલટવાર 2 - image

સાંસદના આક્ષેપો અને ધારાસભ્યનો આકરો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ 7 ડિસેમ્બરના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જોકે, તેમણે ભ્રષ્ટાચાર કરનાર કોઈ પણ નેતાનું નામ જાહેર કર્યું ન હતું. પરંતુ દર્શનાબહેનનો દાવો છે કે મનસુખ વસાવાએ આડકતરી રીતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના એટલે કે ડૉ. દર્શનાબહેન દેશમુખની આમ આદમી પાર્ટી(AAP)ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ છે.  

માનહાનિનો દાવાની ચેતવણી- ધરણા પર બેસવાની ચીમકી

ગઇકાલે (12 ડિસેમ્બર) દર્શનાબહેને જણાવ્યું હતું કે, "મનસુખ વસાવા કહી રહ્યા છે કે મારી અને ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ છે, પણ હું તેમને કહેવા માગું છું કે તેમને તો ચૈતર વસાવા સાથે ઘરના સંબંધ છે, મારે તો નાહવા-નિચોવાને કોઈ સંબંધ નથી." "ભ્રષ્ટાચારની વાત છે, તો મનસુખ વસાવા તે સાબિત કરે, નહીં તો હું તેમની સામે માનહાનિનો દાવો કરીશ. કોર્ટમાં જવાનું હશે, તો હું ચોક્કસ જઈશ." ધરણાં રદ કરવાની વાત અંગે ડૉ. દર્શનાબહેને જણાવ્યું કે તેઓ મનસુખ વસાવા સામે ધરણા પર બેસવાના હતા, પરંતુ પ્રદેશ ભાજપમાંથી સૂચના મળતાં તેમણે આ કાર્યક્રમ રદ કર્યો છે.

વ્યક્તિગત વાણી-વિલાસ પર આકરો પલટવાર

ડૉ. દર્શનાબહેન દેશમુખે સિનિયર સાંસદ તરીકે મનસુખ વસાવાના વર્તન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સાંસદ તેમને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી અને તેઓ ધારાસભ્ય બન્યા ત્યારથી જ મનસુખ વસાવા તેમના પર આક્ષેપ કરતા આવ્યા છે. "હું પણ ભાજપની જ દીકરી છું, તો સિનિયર સાંસદ તરીકે આવો મારા વિશે વાણી-વિલાસ ના કરવો જોઈએ. મારી પાસે પણ આવા નનામા પત્રો આવે છે, પણ અમે એને કચરામાં નાખી દઈએ છીએ, એના પર કોઈ ટિપ્પણી કરતાં નથી. ડૉ. દર્શનાબહેને જણાવ્યું કે તેમણે આ સમગ્ર મામલે પ્રદેશ સ્તરે રજૂઆત કરી છે અને હવે તેઓ મૌન નહીં રહે. કેટલાય સમયથી મૌન હતી, પણ આવા વાણી-વિલાસને કારણે મારે આજે મૌન તોડવું પડ્યું છે. હવે જો મનસુખ વસાવા કઈ બોલશે તો મારે જવાબ આપવો પડશે."

'તમને ધારાસભ્ય જ મેં બનાવ્યા છે, પાર્ટીમાં રજૂઆત કરો'

જેના જવાબમાં આજે (13 ડિસેમ્બર) સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, 'તમને ધારાસભ્ય જ મેં બનાવ્યા છે, અને તેમને જાહેરમાં આરોપ લગાવવાને બદલે પાર્ટી ફોરમમાં વાત કરવી જોઈતી હતી. દર્શનાબેનને કોઈ મનદુખ હોય તો મને સીધું કહેવું જોઈતું હતું અથવા તો પાર્ટીમાં રજૂઆત કરવાની હતી એ ન કરતાં મારા પર જાહેરમાં આરોપો લગાવ્યા છે. PM મોદીના કાર્યક્રમમાં ખર્ચ અંગે ચૈતર વસાવાએ અધિકારીઓ પર દબાણ કર્યું હતું અત્યારે દર્શનાબેન કેમ મૌન હતા? આક્ષેપ કરીને પોતાના પર જ કુહાડો માર્યો છે.

આ પણ વાંચો: દાંતાના પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીની ટીમ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 45થી વઘુ જવાન ઘાયલ

અગાઉ ચૈતર વસાવાએ પણ આપ્યો હતો જવાબ

ઉલ્લેખનીય છે કે, મનસુખ વસાવાના 7 ડિસેમ્બરના આક્ષેપો બાદ માત્ર ડૉ. દર્શનાબહેન જ નહીં, પરંતુ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સાંસદને વળતો જવાબ આપીને નામ અને પુરાવા જાહેર કરવાની માંગણી કરી હતી. નર્મદા જિલ્લાના આ બે મોટા નેતાઓ વચ્ચેના ખુલ્લેઆમ ચાલી રહેલા આ વિવાદથી ભાજપમાં આંતરિક કલહ સપાટી પર આવ્યો છે.