Get The App

24 કલાકમાં ગુજરાતમાં ત્રીજા પોલીસકર્મીનો આપઘાત, ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાધો

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
24 કલાકમાં ગુજરાતમાં ત્રીજા પોલીસકર્મીનો આપઘાત, ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાધો 1 - image



Gujarat Police News : ગુજરાત પોલીસ વિભાગ માટે છેલ્લા 24 કલાક અત્યંત દુઃખદ અને ચિંતાજનક રહ્યા છે. ભરૂચ અને ભાવનગરમાં પોલીસકર્મીઓના આપઘાતની ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યાં હવે પાટનગર ગાંધીનગરમાં વધુ એક પોલીસ હેડ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. 24 કલાકની અંદર રાજ્યમાં પોલીસકર્મીના આપઘાતની આ ત્રીજી ઘટના છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ ચોકીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આજે સવારે પોતાના જ ઘરમાં ઉપરના માળે પંખા સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. ઉપેન્દ્ર સિંહ વાઘેલા પેથાપુરના રહેવાશી હતા. તેઓ સીક લીવ લઈને રજા પર હતા. હાલમાં તેમના પરિવારમાં માતા, બે બાળકો અને પત્ની છે. આ મામલે સેક્ટર 7ના પોલીસ ઈન્સપેક્ટર ગોહિલે આપી હતી. હાલમાં મૃતક ઉપેન્દ્ર સિંહ વાઘેલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. 

પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આપઘાત પાછળના કારણ સુધી પહોંચવા માટે પરિવારજનો અને સાથે ફરજ બજાવતા સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ જ ભરૂચમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે અને ભાવનગરમાં પણ એક પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. આમ, ઉપરાછાપરી બની રહેલી આપઘાતની ઘટનાઓને કારણે પોલીસકર્મીઓના માનસિક તણાવ અને કામના દબાણ જેવા મુદ્દાઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને સમગ્ર પોલીસ વિભાગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.