લોભામણી સ્કીમના નામે કરોડો રૂપિયાનું વધુ એક ફુલેકું: ક્રાઇઝર વર્લ્ડ નામે રૂ. 2400 ના રોકાણમાં બે વર્ષમાં રૂ. 1.12 લાખની લાલચ આપી ઠગાઇ

- પાલની કંપનીના કેવીન બ્રહ્મભટ્ટ, મહેશ ગુસાઇ અને મોહિત પટેલ વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચમાં ફરીયાદઃ મોટી સંખ્યામાં લોકો પાસેથી લાખ્ખો-કરોડો રૂપિયા પડાવ્યાની શકયતા
સુરત
સુરત શહેરમાં લોભામણી સ્કીમના નામે લાખ્ખો-કરોડોની ઠગાઇ કરવાના વધી રહેલા કિસ્સા અંતર્ગત પાલ ગૌરવ પથ સ્થિત મોનાર્ક કોમ્પ્લેક્ષમાં ક્રાઇઝર વર્લ્ડ નામે રૂ. 2400 ના રોકાણ સામે બે વર્ષમાં રૂ. 1.12 લાખ મેળવવાની લાલચ આપી રાતોરાત ઓફિસને શટર પાડી દેનાર ટોળકી વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચમાં ફરીયાદ નોંધાય છે. જે પૈકી એકની પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
પાલ ગૌરવ પથ સ્થિત મોનાર્ક કોમ્પ્લેક્ષમાં આવેલી ક્રાઇઝર વર્લ્ડ નામની કંપનીની રૂ. 2400 ના રોકાણમાં ઘર બેઠા બે વર્ષમાં રૂ. 1.12 લાખ કમાવવાની ફેસબુક પર જાહેરાત જોઇ તેમાં જણાવેલા નંબર ઉપર હાલોલની રીલાયન્સ કંપનીના એક્ઝિક્યટીવ મેનેજર હેમેશ ભોગીલાલ પંચાલ (ઉ.વ. 41 રહે. ભગવતી વાટિકા, કંજરી, તા. હાલોલ, પંચમહાલ) એ તેમાં જણાવેલા નંબર પર સંર્પક કર્યો હતો. કોલ રીસીવ કરનારે યુ ટ્યુબ પર મહેશ ગુસાઇ ઇન્કમ ટ્રેનરના વિડીયો જોવાનું કહેતા વિડીયો જોયા હતા અને ત્યાર બાદ હેમીશે તેના પિતાના મિત્ર એવા નિવૃત તલાટી પિયુષ શેઠનો સંર્પક કર્યો હતો. પિયુષે પણ ક્રાઇઝર વર્લ્ડમાં રોકાણ કર્યુ હોવાથી હેમીશે પોતાનું તથા પત્ની, સંતાન અને સગાસંબંધી અને મિત્રોના મળી અંદાજે 160 લોકોના નામે કંપનીમાં આઇડી બનાવી 5 લાખ અને પિયુષ શેઠે 6 લાખનું રોકાણ કર્યુ હતું. કંપનીના નિયમ મુજબ શરૂઆતમાં તેઓના ખાતામાં રૂ. 2400 ભરી આઇડી ખોલાવતા એમએલએમ સ્કીમ હેઠળ તેઓના ખાતામાં અડધા એટલે કે રૂ. 1200 મુજબ 15 યુરો ટ્રાન્સફર થતા હતા. પરંતુ અચાનક જ યુ ટ્યુબ પરથી વિડીયો ડિલીટ થઇ ગયા હતા. જેથી હેમીશે ક્રાઇઝર વર્લ્ડ કંપનીમાં રોકાણ કરનારનું વ્હોટ્સએપ ગૃપ બનાવનાર મોહિત પેટલનો સંર્પક કર્યો હતો. પરંતુ ત્યાંથી કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. બીજી તરફ અગાઉ મોહિતે કંપનીના માલિક કેવીન જનક બ્રહ્મભટ્ટ (રહે. કતારગામ) અને મહેશ દયાળ ગુસાઇ (રહે. અડાજણ) નો સંર્પક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનો પણ ફોન બંધ હોવાથી પોતાની સાથે ઠગાઇ થઇ હોવાથી હેમીશે ત્રણેય વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચમાં ફરીયાદ નોઁધાવી છે. જે પૈકી પલસાણાના કરાડ ગામના મોહિત પટેલની અટકાયત કરી છે.
સ્કોટલેન્ડના જ્યોર્જ વિલીયમ્સે નાના લોકોને મદદરૂપ થવા કંપની શરૂ કર્યાની વાત કરી હતી
ફેસબુક પર જાહેરાત જોઇ કોલ કરનાર હેમીશ પંચાલ શરૂઆતમાં મોહિત પટેલને સંર્પકમાં આવ્યો હતો. ત્યારે મહેશ ગુસાઇના યુ ટ્યુબ પર વિડીયો જોવા માટે કહેવામાં આવ્યું હતું. હેમીશે રોકાણ કર્યુ ત્યારે રૂ. 2400 ભરી આઇડી બનાવવા અને પોતાની અંડરમાં નવા આઇડી બનાવશો તો રૂ. 2400 ના અડધા રૂ. 1200 લેખે તમારા આઇડીમાં 15 યુરો જમા થશે એવું કહ્યું હતું. યુરોમાંથી રૂપિયા કઇ રીતે કન્વર્ટ કરી શકાશે તે માટે હેમીશે જયારે કેવીન બ્રહ્મભટ્ટનો સંર્પક કર્યો ત્યારે તેણે કંપની સ્કોટલેન્ડના જ્યોર્જ વિલીયમ્સે નાના માણસોને મદદરૂપ થવા શરૂ કરી છે અને રૂપિયા કઇ રીતે કન્વર્ટ કરવા તે પછી કહીશ એવી વાત કરી હતી.




