Updated: Mar 18th, 2023
મોરબી, પોરબંદર, દ્વારકા, જામનગર જિલ્લાની પાલિકાનો પ્રોગ્રેસ રિપોર્ટ 'નીલ' : પંચાયત સહિત રાજ્યના અડધો ડઝન સરકારી વિભાગો સુજલામ યોજનાની શરૂઆત માટે શુભમુહૂર્તની રાહમાં; જળસંપતિ વિભાગની પ્રગતિ માત્ર 3 ટકા
રાજકોટ, : વરસાદના પાણીને જમીનમાં ઉતારવા માટે સુજલામ - સુફલામ યોજના હેઠળ તળાવો ઉંડા ઉતારવા, વોંકળા સાફ કરવા, તળાવના પાળ ઉંચા કરવા, બેટરી ચાર્જ કરવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. 100 દિવસમાં આ પ્રકારના કામોની ફાળવણી જુદા - જુદા સરકારી વિભાગોને કરવામાં આવી છે. પરંતુ આ જળસ્ત્રાવ વિસ્તાર વિકાસલક્ષી કાર્યોમાં જાણે નગરપાલિકાને રસ ન હોય તે રીતે યોજનાકીય કામો શરૂ થયાના એક મહિના પછી પણ સૌરાષ્ટ્રના જિલ્લામાં એકપણ નગરપાલિકાએ કામો શરૂ કર્યા નથી.
રાજ્ય સરકારની સુજલામ - સુફલામ યોજના વરસાદના પાણીને જમીનમાં ઉતારવાની કામગીરીના લક્ષ્યાંક સાથે એક મહિનાની સોંપવામાં આવેલી કામગીરીના પ્રોગ્રેસ રીપોર્ટમાં જણાવાયું છે કે રાજ્યના શહેરી વિકાસ વિભાગોને સુજલામ - સુફલામ યોજના હેઠળ 10 જિલ્લાની નગરપાલિકાને જે 716 કામો સોંપવામાં આવ્યા છે તેમાં 13 ટકા જ કામો શરૂ થયા છે. પરંતુ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર જિલ્લાની નગરપાલીકામાં હજુ એકપણ કામ શરૂ થયું નથી. રાજ્યનાં વનપર્યાવરણ વિભાગે રાજ્યનાં ૨૪ જિલ્લામાં તેમજ વોટરશેડ વિભાગ રાજ્યના 13 જિલ્લામાં સુજલામ - સુફલામ યોના હેઠળના કામો શરૂ કર્યા નથી. ઉનાળાના સમયમાં તળાવો ઉંડા ઉતારવા સહિતના સર્વાધિક કામો જળસંપતિ વિભાગને સોંપવામાં આવ્યા છે. રાજ્યના 33 જિલ્લામાં 14477 કામોની જવાબદારીનો આધાર જે જળસંચય વિભાગને સોંપવામાં આવી છ. તે વિભાગે પણ માત્ર 3 ટકા કામો જ શરૂ કર્યા છે. સુરેન્દ્રનગર, પોરબંદર અને જામનગર સહિત રાજ્યના 10 જિલ્લામાં હજુ કામો શરૂ કરવાનું બાકી છે.
રાજ્યના પંચાયત અને ગ્રામીણ આવાસ વિભાગની કામગીરીનો પ્રોગ્રેસ રીપોર્ટ પણ 'નીલ' રહ્યો છે. રાજ્ય સરકારના અડધો ડઝન વિભાગોએ સુજલામ - સુફલામ યોજનાના કામો શરૂ કર્યા નહી હોવાથી તેમને સોંપાયેલા લક્ષ્યાંક કાગળ ઉપર રહેશે કે સમયસર પુરા થશે તે સવારલ ચર્ચાસ્પદ ધરી ગયો છે.