| Representative Image |
Mundra Misdemeanor Case: કચ્છના મુંદ્રા તાલુકામાં 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજા પહોંચતા મુંદ્રા અને ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ બાળકીની યોગ્ય સારવાર ન કરતાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને ચાઈલ્ડ વેલફેર કમિટીએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે સંબંધિત હોસ્પિટલ સહિત મુખ્ય જિલ્લા તબીબી અધિકારીને શૉ કૉઝ નોટિસ ફટકારી છે અને કોર્ટમાં હાજર થઈ સમગ્ર મામલે ખુલાસો આપવા સૂચન કર્યું છે.
દુષ્કર્મ પીડિતાની સારવારમાં
મળતી માહિતી મુજબ, કચ્છના મુંદ્રા તાલુકામાં એક ગામ ખાતે શ્રમિક વસાહતમાં ગત 12 જાન્યુઆરીના રોજ બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં મૂળ ઝારખંડનું શ્રમિક યુગલ જ્યારે ઘરની બહાર ગયું હતું, ત્યારે પાડોશમાં રહેતા 26 વર્ષીય મનીષ નામના નરાધમે પીડિતા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ભદ્રેશ્વર આરોગ્ય કેન્દ્ર, મુંદ્રા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
પરંતુ હોસ્પિટલમાં બાળકીની યોગ્ય સારવાર ન કરવામાં આવતા બાળ સુરક્ષા અધિકારી અને ચાઈલ્ડ વેલફેર કમિટીએ એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ જજ (પોક્સો) જે.એ. ઠક્કરની કૉર્ટ સમક્ષ વિગતવાર રિપોર્ટ રજૂ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે હોસ્પિટલોને નોટિસ ફટકારી હતી.


