Akshardham Case: ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવી મૂકનાર ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલાના ચકચારભર્યા કેસમાં અત્રેની સ્પેશિયલ પોટા કોર્ટે 17મી જાન્યુઆરીના રોજ ત્રણ આરોપીઓ અજમેરી અબ્દુલરશીદ સુલેમાન, મોહંમદ ફારૂક મોહંમદ હનીફ શેખ અને મોહંમદ યાસીન ઉર્ફે યાસીન ભટ ગુલામ મોહીઉદ્દીન ભટ્ટને પુરાવાના અભાવે ડિસ્ચાર્જ કરી દીધા હતા એટલે કે, આ કેસમાં આ ત્રણેયને બિનતહોમત તેઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકયા હતા.
કોર્ટે અગાઉ છ આરોપીઓને ગુનેગાર ઠરાવ્યા હતા
અક્ષરધામ મંદિર પર આતંકી હુમલાના ચકચારભર્યા કેસમાં પોટાની વિશેષ કોર્ટે અગાઉ પકડાયેલા પૈકી છ આરોપીઓને ગુનેગાર ઠરાવીને ત્રણ આરોપીને ફાંસી, એક આરોપીને જન્મટીપ, એક આરોપીને દસ વર્ષ અને એક આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે તમામ આરોપીઓને નિદીષ છોડી મુક્યા હતા. જેમાં અલ્તાફ હુસેન મલિક, આદમ સુલેમાન અજમેરી, સલીમ હનીફ શેખ, મુક્તી અબ્દુલ ક્યુમ, અબ્દુલામીયાં કાદરી, ચાંદમિયાં ઉર્ફે ચાંદખાન પઠાણનો સમાવેશ થતો હતો.
આ કેસમાં હાલના આરોપીઓ અજમેરી અબ્દુલ રશીદ સુલેમાન, મોહંમદ ફારૂક મોહંમદ હનીફ શેખ અને મોહંમદ યાસીન ઉર્ફે યાસીન ભટ ગુલામ મોહિઉદ્દીન ભટને પોલીસે તબક્કાવાર ધરપકડ કરીને પુરાવા એકઠા કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
અક્ષરધામ પર હુમલા માટે કેવી રીતે કાવતરું રચાયું અને અંજામ અપાયો?
યાસીન ભટે કાશ્મીરના અનંતનાગ ખાતે મઝુર, કામીલ અને ઝુબેર સહિતના એલઈટી આતંકીવાદીઓ સાથે મળીને ગુજરાતમાં આંતકવાદી હુમલાનું કાવતરૂ રચ્યું હતું. યોજના પ્રમાણે ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર આતંકી હુમલો કરાયો હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. યાસીન ભટે જમ્મુ-કાશ્મીર પાસિંગ એમ્બેસેડર કારમાં ગુપ્ત ખાનુ બનાવી તેમાં એકે-47 સહિતના અન્ય અન્ય હથિયારો અને દારૂગોળો જથ્થો તેમાં મૂકી આ કારને ચાંદખાન મારફતે ઉત્તર પ્રદેશ ખાતે પહોંચાડી હતી. અન્ય આતંકવાદીઓની ચાંદખાન સાથે મુલાકાત કરાવી હતી. ત્યારબાદ ચાંદખાન અને શકીલ ટ્રેન મારફતે એકે-47 અને અન્ય હથિયારો સાથે અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં અન્ય એલઈટી આતંકવાદીઓ સાથે મળીને તેણે અક્ષરધામ હુમલાને અંજામ આપ્યો હતો.
શું હતો અક્ષરધામ મંદિર પર આંતકવાદી હુમલાનો કેસ?
ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ મંદિરમાં 24-09-2002 ના રોજ સાંજના આશરે 4:30 વાગે, એકે-47 રાયફલ અને હેન્ડ ગ્રેનેડ સહિતના હથિરાયો અને દારૂગોળા સાથે બે ઈસમો અક્ષરધામમાં ઘૂસી જઈ દર્શનાથીઓ તથા રાઈડ્સમાં બેસેલ બાળકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને હેન્ડ ગ્રેનેડ ફેક્યા હતા. આ આતંકવાદી હુમલામાં એનએસજી કમાન્ડો, સ્ટેટ કમાન્ડો ફોર્સના જવાન અને ત્રણ એસએરપીના જવાનો સહિત કુલ 33 વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા હતા. આ હુમલામાં 23 પોલીસ જવાનો સહિત લગભગ 86 જેટલા વ્યક્તિઓ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા.


