સરદાર અને ગુજરાતીઓના અપમાન મુદ્દે રાજ ઠાકરે પર ગુજરાતના નેતાઓનો વળતો પ્રહાર
Raj Thackeray Statement: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના પ્રયાસો અંગે કરાયેલા નિવેદનોએ ગુજરાતમાં ભારે રોષ જગાવ્યો છે. રાજ ઠાકરેએ આ મુદ્દે ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પર પણ આક્ષેપો કરતાં રાજકીય ગરમાવો આવ્યો છે.
ગુજરાતમાં વ્યાપક આક્રોશ, અલ્પેશ કથીરિયાના પ્રહાર
રાજ ઠાકરેના આ નિવેદનથી ગુજરાતભરમાં ખાસ કરીને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથીરિયાએ આ નિવેદનોને ગુજરાતી અસ્મિતા અને રાષ્ટ્રીય નેતાઓનું અપમાન ગણાવ્યું છે. તેમણે રાજ ઠાકરેને જાહેરમાં માફી માગવાની માગણી કરી છે.
આ પણ વાંચો: ગુજરાતી નેતા-વેપારીઓની વર્ષોથી મુંબઈ પર નજર: રાજ ઠાકરે, સરદાર પટેલ અંગે પણ વિવાદિત ટિપ્પણી
સરદાર પટેલનું અપમાન સાંખી લેવાશે નહી
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, ભાષાના વિવાદમાં મહાનુભવોના રાષ્ટ્રના ઘડવૈયાઓના તમે અપમાન કરો છો તેને સાંખી લેવામાં નહી આવે. તમારી રાજનીતિ ચમકાવવા માટે સરદાર વલ્લભાઇ પટેલ વિશે બોલવું, મોરારજી દેસાઇ વિશે બોલવું તે ચલાવી લેવામાં નહી આવે. તમારા જે નિવેદનો છે તેનો સખત વિરોધ છે. તમને જે ભાષાનું માન હોય તે ભાષાનો પ્રચાર કરો, પ્રસાર કરો તે બરોબર છે. પરંતુ રાજકીય મુદ્દામાં કોઇ વ્યક્તિનું અપમાન કરવું, ચર્ચામાં રહેવા માટે ગુજરાતીઓને ટાર્ગેટ કરવા અને મહાનુભવોના અપમાન કરવા એ ખૂબ જ ગંભીર અને નિંદનિય બાબત છે. આ નિવેદનથી તેમણે ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો વચ્ચે વિખવાદ ઊભો કરવાનો પ્રયાસ છે. આવા નિવેદનો દેશની એકતા અને સૌહાર્દ માટે હાનિકારક છે.
સરદાર પટેલ અને મોરારજી દેસાઈનું અપમાન
ગુજરાતના લોકો રાજ ઠાકરેના નિવેદનોને સરદાર પટેલ અને મોરારજી દેસાઈ જેવા મહાન રાષ્ટ્રીય નેતાઓનું અપમાન ગણી રહ્યા છે. સરદાર પટેલે આઝાદી પછી ભારતના એકીકરણમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું અને તેમને 'લોહપુરુષ' તરીકે યાદ કરવામાં આવે છે. તેવી જ રીતે, મોરારજી દેસાઈ પણ ભારતના પૂર્વ વડાપ્રધાન રહી ચૂક્યા છે અને દેશની આઝાદીની લડતમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. આવા મહાનુભાવો પર આક્ષેપો કરવાથી ગુજરાતના ગૌરવને ઠેસ પહોંચી હોવાનો ભાવ વ્યાપી ગયો છે.
સસ્તી પ્રસિદ્ધિ માટે સરદાર પટેલનું અપમાન
સરદાર પટેલ અંગે રાજ ઠાકરેની વાંધાજનક ટિપ્પણીને ભાજપે વખોડી છે. રાજ ઠાકરે પર પ્રહાર કરતા ભાજપ નેતા ઋતવીજ પટેલે કહ્યું કે બન્ને રાજ્યના લોકો વર્ષોથી સંપીને રહે છે. રાજ ઠાકરેએ સસ્તી પ્રસિદ્ધિ માટે સરદાર પટેલનું અપમાન કર્યું છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ સરદાર પટેલના અપમાન મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ કહ્યું કે સરદાર પટેલ કોઈ જાતિ કે રાજ્યના નહીં પરંતુ સમગ્ર દેશના છે અને પોતાના અંગત સ્વાર્થ માટે તેમના નામનો ઉપયોગ કરવો એ બિલકુલ યોગ્ય નથી. તો બીજી તરફ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા કહ્યું કે પોતાની રાજનીતિ ચમકાવવા માટે રાજઠાકરેએ મહાપુરુષોનું અપમાન કર્યું.
શું હતું રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન
તાજેતરમાં એક જાહેર સભામાં રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, 'ગુજરાતીઓની પહેલેથી જ મુંબઈ પર નજર છે.' તેમણે દાવો કર્યો કે, સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગતા હતા. તેમણે કહ્યું હતું કે વલ્લભભાઇને અમે લોહપુરૂષ બનાવ્યા હતા. ગુજરાતી વેપારીઓ અને નેતાઓ દ્વારા મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના પ્રયાસો થયા હતા. આ ઉપરાંત, તેમણે 1955-56ના સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન દરમિયાન મરાઠી આંદોલનકારીઓ પર ગોળીબારનો આદેશ આપીને તેમને મોતને ઘાટ ઉતારવાનો આરોપ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પર લગાવ્યો હતો. ઠાકરેએ ગુજરાતી વેપારીઓ અને નેતાઓ પર પણ નિશાન સાધ્યું હતું.