ગુજરાતી નેતા-વેપારીઓની વર્ષોથી મુંબઈ પર નજર: રાજ ઠાકરે, સરદાર પટેલ અંગે પણ વિવાદિત ટિપ્પણી
Raj Thackeray Claims Sardar Patel Opposed Giving Mumbai to Maharashtra : મહારાષ્ટ્રમાં ઠાકરે બ્રધર્સ હિન્દીનો વિરોધ કરવા મેદાનમાં ઉતર્યા છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મરાઠીને બચાવવાના નામે એક થયા છે. જોકે હિન્દી વિરોધના નામે બંને નેતાઓ અવારનવાર ગુજરાત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. અગાઉ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર હતા ત્યારે પણ ગુજરાત, ગુજરાતના વેપારીઓ તથા ઉદ્યોગો વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા. હવે રાજ ઠાકરેએ ફરી ગુજરાત પર નિશાન સાધ્યું છે. આટલું જ નહીં લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલ વિશે પણ વિવાદિત ટિપ્પણી કરી છે.
સરદાર પટેલ પર વિવાદિત ટિપ્પણી
મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મીરા ભાયંદરમાં એક સભામાં દાવો કર્યો છે કે ગુજરાતી વેપારીઓ અને ગુજરાતી નેતાઓ દાયકાઑથી મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આટલું જ નહીં આચાર્ય અત્રેના એક પુસ્તકના સંદર્ભને ટાંકીને રાજ ઠાકરેએ કહ્યું છે કે મને એ જાણીને આઘાત લાગ્યો કે મુંબઈ મહારાષ્ટ્રને ન આપવું જોઈએ તેવી સૌથી પ્રથમ માંગણી વલ્લભભાઈ પટેલે કરી હતી. વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને આપવું જોઈએ નહીં.
રાજ ઠાકરેના આ નિવેદન બાદ ગુજરાતનાં પાટીદાર નેતાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
આટલું જ નહીં તેમણે સરદાર પટેલની સાથે સાથે મોરારજી દેસાઇ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે જ્યારે પણ મહારાષ્ટ્રમાં આંદોલન થયા ત્યારે મોરારજી દેસાઇએ મરાઠી લોકો પર ગોળીબાર કરાવી તેમની હત્યા કરાવી.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- મુંબઈને અલગ કરશે તેના ટુકડા કરી નાંખીશું
બીજી તરફ રાજ ઠાકરેના ભાઈ ઉદ્ધવ ઠાકરેએ પણ દાવો કર્યો છે કે મુંબઈ દેશનું આર્થિક પાટનગર છે એ વાત લોકોને આંખના કણાની જેમ ખૂંચે છે. તેથી મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત લઈ જવાયા. મુંબઈ આર્થિક પાટનગર તરીકે વિકસી રહ્યું છે તેથી અમદાવાદ માટે બુલેટ ટ્રેન શરૂ થઈ રહી છે.
અગાઉ પણ બંને ભાઈઓએ ગુજરાત વિરુદ્ધ કરી હતી ટિપ્પણી
થોડા દિવસ અગાઉ મુંબઈના વરલીમાં થયેલી સભામાં પોતાના સંબોધનમાં રાજ ઠાકરેએ ધમકી આપતાં કહ્યું હતું કે કોઈ નાટક કરશે તો અમે થપ્પડ મારીશું જ. રાજ ઠાકરેએ કહ્યું, કે 'તમારી પાસે વિધાનસભામાં સત્તા હશે, અમારી પાસે રસ્તા પર સત્તા છે. જે બાળાસાહેબ ન કરી શક્યા એ ફડણવીસે કરી બતાવ્યું, અમને બે ભાઈઓને એક કર્યા. અમે 125 વર્ષ સુધી મરાઠાઓએ રાજ કર્યું, અમે કોઈના પર મરાઠી થોપવાનો પ્રયાસ નથી કર્યો. મીરા રોડ પર એક શખસે ગુજરાતીને થપ્પડ મારી, પણ શું કોઈના માથે લખ્યું છે કે તે ગુજરાતી છે? હજુ તો અમે કશું કર્યું પણ નથી! કારણ વગર મારામારીની જરૂર નથી પણ કોઈ નાટક કરશે તો કાનની નીચે બજાવવી જ પડશે. હવે ધ્યાન રાખજો, આવું કશું કરો ને ત્યારે વીડિયો ન બનાવતા, સમજી ગયા ને? આ લોકો મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગે છે.'
મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત મોકલી દેવાયા, હા અમે ગુંડા જ છીએ: ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં કહ્યું હતું, કે 'અમે બે ભાઈઓ સાથે રહેવા માટે જ આજે એક થયા છીએ. ફડણવીસ કહે છે કે ગુંડાગીરી સાંખી નહીં લેવાય. પણ જો પોતાની ભાષા માટે લડવું એ ગુંડાગીરી છે, તો હા અમે ગુંડા છીએ. અમને હિન્દુ અને હિન્દુસ્તાન મંજૂર છે પણ હિન્દી નહીં. હિન્દી થોપવાનો પ્રયાસ સાંખી નહીં લેવાય. તમારી સાત પેઢી ખતમ થઈ જશે પણ અમે આવું થવા નહીં દઈએ. એક ગદ્દાર ગઈકાલે બોલ્યો કે 'જય ગુજરાત'. મહારાષ્ટ્ર આવતા તમામ ઉદ્યોગ ધંધા ગુજરાત મોકલી દેવાયા. આ લોકોએ ગુજરાતમાં પટેલોને ભડકાવ્યા તેમને હાંસિયે ધકેલ્યા અને સત્તા પ્રાપ્ત કરી. મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ એવું જ કર્યું.'