ખુશખબર! રાજ્યનાં ખેડૂતોનાં હિતમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય, 53 લાખથી વધુને થશે લાભ
ગાંધીનગર, 10 જુન 2021 ગુરૂવાર
ગુજરાતના ખેડૂતોનાં હિતમાં રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ગુજરાત સરકારે લાખો ખેડૂતોને ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થતાં પાક નુકસાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ 2021 માટે મંજૂરી આપી છે. આ યોજનામાં રાજ્યના નાના-મોટા તેમજ સિમાંત બધા જ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યના અંદાજે 53 લાખથી વધુ ખેડુતોને આ યોજનાનો લાભ મળશે. એટલું જ નહીં આ યોજના માટે ખેડૂતે કોઇ જ પ્રીમિયમ કે અન્ય કોઇપણ પ્રકારની નોંધણી ફી ભરવાની રહેશે નહીં.
અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું જેવા જોમખથી થતા પાક નુક્સાનને પણ આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના સહાય ધોરણ અંગેની વાત કરવામાં આવે તો, ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાનની ટકાવારી 33 થી 60 ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. એટલું જ નહીં, ખરીફ ઋતુમાં થયેલ પાક નુક્સાન 60 ટકાથી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 25,000ની સહાય મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે.
તદઉપરાંત વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને પણ લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા ડેડિકેટેડ પોર્ટલ પણ તૈયાર કરાશે. લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઇ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહશે.
ખેડૂતોને અરજી માટે કોઇપણ પ્રકારની ચૂકવણી કે ફી ભરવાની રહેશે નહીં. તેમજ અરજીની ડેટા એન્ટ્રી માટે રાજ્ય સરકાર સંપૂર્ણ ખર્ચ ચૂકવશે. આ મુખ્યમંત્રી સહાય યોજનામાં પ્રાથમિક આકારણી અને ખેડૂતોની અરજીના આધારે લાભની ગણતરી તેમજ તાલુકા કક્ષાએથી સહાય મંજૂર થયા બાદ જિલ્લા કક્ષાએથી સહાયની રકમ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે.
આ યોજનાના સુચારુરૂપ અમલીકરણ તેમજ ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સુવિધા પણ આપવામાં આવી છે. આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસ.ડી.આર.એફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.
રાજ્યના ખેડૂતો આખું વર્ષ મહેનત કરતા હોય ત્યારે ઘણી વખત કુદરતી પરિબળો સાથ ના આપે અને કુદરતી આપત્તિના કારણે પાકને નુકસાન જાય ત્યારે ગુજરાત સરકાર હંમેશા રાજ્યના લાખો ખેડૂતોના પડખે રહી છે અને ખેડૂતો માટે સહાયરૂપ પેકેજ પણ આપતી આવી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ તાજેતરમાં રાજ્યમાં ‘તાઉ તે વાવઝોડાને કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખેડૂતોને થયેલ નુકસાનથી બેઠા કરવાની સંવેદના સાથે અસરગ્રસ્ત ખેડૂતોની પડખે રહીને રૂ.500 કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. એટલું જ નહિ ભૂતકાળમાં રાજ્યના ખેડૂતોને જયારે જ્યારે કુદરતી આપદાઓનો સામનો કરીને પાક નુકશાન વેઠવાનું આવ્યું છે ત્યારે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિસાન હિતકારી સંવેદનશીલ અભિગમ અપનાવીને ઉદારત્તમ સહાય પેકેજ આપેલા છે.
તદઅનુસાર, મુખ્યમંત્રીએ વર્ષ 2020માં ઓગષ્ટ માસમાં થયેલા ભારે વરસાદના પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઇ માટે પણ રાજ્ય સરકાર દ્વારા રૂ. 3700 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. એ જ રીતે, વર્ષ 2019માં ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન આવેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને ભારે નુક્સાન થયું હતું ત્યારે પણ રાજ્ય સરકારે રૂ. 3795 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું હતું.
આ ઉપરાંત વર્ષ 2018-19માં વિવિધ કુદરતી આપત્તિઓ સામે રાજ્યના ખેડૂતોને રૂ.1673 કરોડની સહાય તેમજ વર્ષ 2017-18માં આવેલ અતિવૃષ્ટિના કારણે બનાસકાંઠા અને અન્ય જીલ્લામાં જે નુકસાન થયું હતું તેની સામે પણ ખેડૂતોને રૂ.1706 કરોડની સહાય કરવામાં આવી હતી. મુખ્યમંત્રી રૂપાણીના નેતૃત્વની કિસાન હિતકારી રાજ્ય સરકારે આવા ઉદારત્તમ સહાય પેકેજ આપવા સાથે હવે ધરતીપુત્રોને ખરીફ મોસમમાં કુદરતી આપત્તિથી થતા પાક નુકશાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વર્ષ 2021 માટે મંજૂર કરી છે. આ પહેલ ચોક્સપણે રાજ્યના ખેડૂતો માટે સહાયરૂપ બનશે અને આવનારા સમયમાં ખેડૂતોની આવક બમણી કરવામાં ગુજરાત દેશને નવી રાહ પણ ચિંધશે.
ખરીફ ઋતુ 2021માં કુદરતી આપત્તિ સમયે પાક નુક્સાન સામે લાભ આપતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને મંજૂરી. અંદાજે 53 લાખથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું જેવા જોખમોને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. pic.twitter.com/sTT4O4gu48
— Vijay Rupani (@vijayrupanibjp) June 10, 2021