માંડલ શહેરમાં કમોસમી વરસાદ પછી કાદવનું સામ્રાજ્ય

આંગણવાડી પાસે ગંદકીના ઢગ ખડકાયા
ચબુતરા ચોકમાં બેંક પાસે પાણી ભરાયા, જાહેર ટોયલેટની સ્થિતી નર્કાગાર, દુર્ગંધથી સ્થાનિકો કંટાળ્યા
માંડલ - માંડલ પંથકમાં બે ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ છવાયું છે અને શહેરમાં રવિવાર અને સોમવારે બંને દિવસ અડધો પોણો કલાક સુધી વરસાદ ખાબક્યો તેમજ સોમવારની સાંજ પછી સવાર સુધી ધીમીધારે વરસાદ યથવાત રહેતાં શહેરના કેટલાંક વિસ્તારોમાં કાદવ-કીચડનું સામ્રાજય જોવા મળ્યું હતું.
ચબુતરા ચોકમાં નાગરિક બેંક જવાના રસ્તા ઉપર સારો રોડ કે પેવરબ્લોકની સુવિધા નહીં હોવાના પગલે બેંકના રસ્તામાં કાદવ કિચડ થતાં બેંકના કર્મચારીઓ,ગ્રાહકોને બેંકમાં આવવા જવા માટેની તકલીફ ભોગવવી પડી હતી. આજ વિસ્તારમાં આવેલી આંગણવાડીની જગ્યામાં હજુ બે વર્ષ પહેલાં પેવરબ્લોકની કામગીરી કરાઈ હતી તેમ છતાં આંગણવાડીની પાસે મોટા કચરાના ઢગ ખડકાયાં છે અને વળી વરસાદથી વધુ ગંદકી ફેલાઈ છે.
જ્યારે એસ.બી.આઈ બેંકની સામે જાહેર ટોયલેટમાં અતિશય દુર્ગંધ ફેલાઈ રહી છે, આસપાસના દુકાનદારો માટે આ પ્રશ્ન માથાના દુઃખાવા સમાન બન્યો છે. વળી જાહેર શૌચાલયોમાં બારણાં પણ તુટી ગયાં છે તેના કારણે રસ્તા પરથી પસાર થતી મહિલાઓ, યુવાનોને શરમનો પણ અનુભવ કરવો પડે છે. ત્યારે આ વરસાદી ટેઈલર હતું ચોમાસાની સીઝનમાં હજુ ફીલ્મ બાકી છે, આગામી સમયમાં વરસાદી સીઝન પણ આવી રહી છે ત્યારે શહેરના રોડ-રસ્તાઓ,શૌચાલયો,સરકારી કચેરીઓ, સ્થાનિક બેંકો આસપાસની ગંદકી દુર કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે.

