જલારામ બાપા પર ટિપ્પણી: રૂપાલાએ કહ્યું- તમારી કોઈ હેસિયત નથી, બોલતાં પહેલા અરીસામાં જુઓ
Parshottam Rupala Statement On Gyanprakash Swami Controversy: વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના ફરી એક અન્ય સ્વામીએ બફાટ કરતાં વિવાદ ઊભો થયો છે. વડતાલના સ્વામી જ્ઞાનપ્રકાશ સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિવાદ વકર્યો છે. વિવાદિત નિવેદનના કારણે રઘુવંશી સમાજના લોકો ઉગ્ર પ્રતિક્રિયા સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય છે કે, વિવાદ વકરતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગીને વિવાદિત વીડિયો ડિલીટ પણ કરી દીધો છે. જોકે, હજુ સુધી વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદનના વિરોધમાં આજે વીરપુર સજ્જડ બંધ છે. ત્યારે આ મુદ્દે હવે રાજકીય નિવેદન પણ સામે આવ્યા છે. જલારામ બાપાને લઈને વિવાદિત નિવેદન મુદ્દે સાંસદ પુરુષોત્તમ રુપાલાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે કાર્યવાહીની માંગ કરી છે.
શું બોલ્યા પુરુષોત્તમ રુપાલા?
જલારામ બાપાને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામીના વિવાદિત નિવેદનને વિશે સાંસદ પુરુષોત્તમ રુપાલાએ કહ્યું કે, 'જલારામ બાપાનું મંદિર, જ્યાં શ્રદ્ધાળુઓનો પૈસો નથી સ્વીકારવામાં આવતો, જે આ સમયમાં અત્યંત દુર્લભ છે. જ્યાં માણસોને ઊભા રાખ્યા છે કે, જો કોઈ શ્રદ્ધા પ્રમાણે ખિસ્સામાંથી રૂપિયો પણ નાખે તો તે પૈસા ન નાખવા પગાર આપીને માણસ રખાતા હોય. આવી જગ્યા સામે બોલતા પહેલાં અરીસામાં જોવું જોઈએ. આ સ્વામીની કોઈ હેસિયત નથી કે, જલારામ બાપા વિશે તે કોમેન્ટ કરી શકે. હું આ સ્વામીની ઘોર નિંદા કરું છું. આ સિવાય હું અપીલ કરું છું કે, સ્વામી નારાયણ સંપ્રદાયના અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓએ આવા સ્વામી વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ.'
શું હતો વિવાદ?
વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામી સુરતના અમરોલીમાં સત્સંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે, 'જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતિત સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા હતા. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતિત સ્વામી પાસે આશિર્વાદ માંગ્યા હતા કે, સ્વામી મારું એક માત્ર લક્ષ્ય છે કે, અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેમને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતિત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. બાદમાં સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યાં કે, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે.'
જ્ઞાનપ્રકાશ સ્વામીએ માંગી માફી
જ્ઞાનપ્રકાશ સ્વામીના આ નિવેદનને લઈને જલારામ બાપાના ભક્તોમાં રોષ ભભુક્યો છે. આ વીડિયો વાયરલ થતાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, વિવાદ વકરતાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ અન્ય એક વીડિયો શેર કરી માફી માંગી છે.
માફી માંગતા વીડિયોમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું કે, 'સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત્-સત્ વંદન કરી મારી વાત રજૂ કરું છું. થોડા સમય પહેલાં મેં એક પુસ્તકમાં પ્રસંગ વાંચ્યો હતો. એ જ પ્રસંગ મેં અન્ય એક મેગેઝિનમાં પણ વાંચ્યો. મને લાગ્યું કે, આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે. અયોધ્યામાં જલારામ બાપાએ જે કામ કર્યાં અને ભગવાનના થાળ અંગે જે વાતો છે, તે અંગે મેં વાત કરી હતી. તેમ છતાં જો કોઈપણ સમાજ કે વ્યક્તિને મારી વાતનું દુઃખ લાગ્યું હોય તો હું ખરા દિલથી તમામની માફી માંગુ છું. તેમજ આ વીડિયો પણ અમે તુરંત હટાવી દીધો છે.'
જોકે, તેમ છતાં રઘુવંશી સંપ્રદાયે માફીનો અસ્વીકાર કરતાં મંગળવારે (ચોથી માર્ચ) વીરપુર ગ્રામ પંચાયતની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આજે અને આવતીકાલે (જલારામો) સજ્જડ બંધ રાખવામાં આવશે. આવશ્યક વસ્તુઓ જેવી કે, મેડિકલ અને હૉસ્પિટલ ચાલુ રાખવામાં આવશે. આ સાથે જ જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આવતીકાલે સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યામાં આવી રૂબરૂ માફી માંગે અને જો માફી નહીં માંગવામાં આવે તો આગામી વ્યૂહનીતિ 6 માર્ચના દિવસે જાહેર કરવામાં આવશે.