જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી: વીરપુરમાં બે દિવસ સજ્જડ બંધનું એલાન, જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ
Gyanprakash Swami Controversy: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ફરી એક અન્ય સ્વામીએ બફાટ કરતાં વિવાદ ઊભો થયો છે. વડતાલના સ્વામી જ્ઞાનપ્રકાશ સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિવાદ વકર્યો છે. વિવાદિત નિવેદનના કારણે રઘુવંશી સમાજના લોકો ઉગ્ર પ્રતિક્રિયા સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય છે કે, વિવાદ વકરતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગીને વિવાદિત વીડિયો ડિલીટ પણ કરી દીધો છે. તેમ છતાં વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. જલારામ બાપા પર કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજના લોકો વીરપુર (જલારામ) ખાતે સમાજના આગેવાનો, વેપારીઓ, વેપારી મંડળના પ્રમુખ દ્વારા આજે મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જ્ઞાન પ્રકાશ સ્વામી સામે રોષ સાથે રૂબરૂ વીરપુર જલારામ મંદિરે આવી માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે.
જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ અપાયું
વીરપુર ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર, આજે અને આવતીકાલે (જલારામો) સજ્જડ બંધ રાખવામાં આવશે. આવશ્યક વસ્તુઓ જેવી કે, મેડિકલ અને હોસ્પિટલ ચાલું રાખવામાં આવશે. આ સાથે જ જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આવતીકાલે સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યામાં આવી રૂબરૂ માફી માંગે અને જો માફી નહીં માંગવામાં આવે તો આગામી વ્યૂહનીતિ 6 માર્ચના દિવસે જાહેર કરવામાં આવશે.
શું હતો વિવાદ?
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામી સુરતના અમરોલીમાં સત્સંગમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે કહ્યું કે, 'જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતિત સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા હતાં. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતિત સ્વામી પાસે આશિર્વાદ માંગ્યા હતાં કે, સ્વામી મારૂ એક માત્ર લક્ષ્ય છે કે, અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેમને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતિત સ્વામીને બાટી અને દાળ જમાડ્યાં. બાદમાં સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યાં કે, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે.'
જ્ઞાનપ્રકાશ સ્વામીએ માંગી માફી
જ્ઞાનપ્રકાશ સ્વામીના આ નિવેદનને લઈને જલારામ બાપાના ભક્તોમાં રોષ ભભુક્યો છે. આ વીડિયો વાઈરલ થતાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, વિવાદ વકરતાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ અન્ય એક વીડિયો શેર કરી માફી માંગી છે.
આ પણ વાંચોઃ રોડ પર હોળી પ્રગટાવો છો? તો જાણી લો આ નિયમ, AMCની જાહેરાત
માફી માંગતા વીડિયોમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું કે, 'સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત્-સત્ વંદન કરી મારી વાત રજૂ કરૂ છું. થોડા સમય પહેલાં મેં એક પુસ્તકમાં પ્રસંગ વાંચ્યો હતો. એ જ પ્રસંગ મેં અન્ય એક મેગેઝિનમાં પણ વાંચ્યો. મને લાગ્યું કે, આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે. અયોધ્યામાં જલારામ બાપાએ જે કામ કર્યાં અનેસ ભગવાસનના થાળ અંગે જે વાતો છે, તે અંગે મેં વાત કરી હતી. તેમ છતાં જો કોઈપણ સમાજ કે વ્યક્તિને મારી વાતનું દુઃખ લાગ્યું હોય તો હું ખરા દિલથી તમામની માફી માંગુ છું. તેમજ આ વીડિયો પણ અમે તુરંત હટાવી દીધો છે.'