ગુજરાતમાં ફરી યોજાશે ફિલ્મફેર એવોર્ડ, કરન જૌહર-વિક્રાંત મેસીની હાજરીમાં થયા MoU
70th Filmfare Awards : ગુજરાતમાં સતત બીજીવાર ફિલ્મફેર એવોર્ડ્સ આયોજિત થવા જઇ રહ્યો છે. 70માં ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઈડ મીડિયા પ્રા. લિમિટેડ વચ્ચે MOU કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી, ફિલ્મ મેકર કરન જૌહર અને વિક્રાંત મેસી ઉપસ્થિત રહ્યા હતા.
70મો ફિલ્મફેર એવોર્ડસ ફરી ગુજરાતમાં યાજાશે
મુખ્યમંત્રી પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતીય ફિલ્મ જગતના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ્સનું ગુજરાતમાં આયોજન થવાથી લોકલ ઈકોનોમીને બુસ્ટ મળશે તથા એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ થઈ શકશે. ગુજરાતમાં 70માં ફિલ્મફેર એવોર્ડના આયોજનથી રાજ્યની ટુરિઝમ લીગસી અને વિરાસતને સમગ્ર વિશ્વ વધુ સારી રીતે જાણી શકે તે માટે આ MOU મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.
ગુજરાત પ્રવાસન નિગમના સચિવે જણાવ્યું હતું કે, હિન્દી ફિલ્મ જગતનો પ્રસિદ્ધ ફિલ્મફેર એવોર્ડ- 2025 ગુજરાતમાં બીજી વાર યોજાવા જઈ રહ્યો છે. ગુજરાતે અગાઉ આઈસીસી વર્લ્ડ કપ, ફિલ્મ ફેર એવોર્ડ અને કોલ્ડ પ્લે કોન્સર્ટ જેવી મોટી ઇવેન્ટની યજમાની પણ કરી છે.
કરન જૌહરે શું કહ્યું?
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર કરન જૌહરે કહ્યું હતું કે, જ્યારે આપણી ફિલ્મો નોમિનેટ થાય છે અને જીતીએ છીએ, ત્યારે તે આપણાં સૌ માટે એક ઐતિહાસિક પળ હોય છે. આમ ફિલ્મ ફેર એવોર્ડ્સ આપણા બધા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ગત વર્ષે મને ગુજરાતમાં 69માં ફિલ્મ ફેર એવોર્ડ્સનું આયોજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
અભિનેતા વિક્રાંત મેસીએ કહ્યું હતું કે, 'લેન્ડ ઓફ કલ્ચર' તરીકે ઓળખાતા ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને નવસારીમાં મારા મિત્રો હોવાને પરિણામે મને આ રાજય પ્રત્યે વિશેષ લાગણી છે. મારી કારકિર્દીનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ પણ મને ગુજરાતની ધરતી ઉપર ગત વર્ષે ગિફ્ટ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં મળ્યો હતો અને આગામી વર્ષે પણ ગુજરાત ફિલ્મ ફેર એવોર્ડનું યજમાન બન્યું છે, તે મારા માટે ગૌરવ સમાન છે.