YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ 6 મહિના માટે બંધ, ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા, જાણી લો વૈકલ્પિક રૂટ
YMCA to Karnavati Club Road Close for 6 Months: અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને વાહન વ્યવહાર સુચારુ બનાવવા માટે અમદાવાદના SG હાઇવે પર ફ્લાયઓવરની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના કારણે વાયએમસીએ (YMCA) ક્લબ ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફ જતો રોડ આગામી 6 મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1.2 કિલોમીટર લાંબા રોડને બંધ કરી ફ્લાયઓવર માટેના રેમ્પ બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જેથી વાહનચાલકોએ વાયએમસીએથી કર્ણાવતી ક્લબ સુધી જવા માટે 2 કિલોમીટર ફરીને જવું પડશે.
ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા
વાયએમસીએ(YMCA)થી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ છ મહિના માટે બંધ કરાતા મુમતપુરા રોડ અને એસ. જી. હાઇવે પર ભારે ટ્રાફિકજામ થયો હતો. જેના કારણે ઑફિસ જનારા અને નોકરિયાત વર્ગના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ રોડ બંધ થવાથી સૌરાષ્ટ્ર તરફ જતાં મુસાફરો પણ ટ્રાફિક જામમાં ફસાયા હતા. ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને એસ. જી. હાઇવે પર મુસાફરી કરતાં લોકોને તેમના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચવા માટે ઘરેથી 15થી 20 મિનિટ વહેલા નીકળવું પડશે. આ ટ્રાફિકજામથી વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને સમયનો પણ વ્યય થઈ રહ્યો છે.
કયો રસ્તો રહેશે બંધ?
સરખેજથી કર્ણાવતી ક્લબ જનારા વાહનચાલકોને વાયએમસીએ ક્લબ તરફથી ડાબી બાજુ વળાંક લઈને પહેલા ભગવાન સર્કલ અને ત્યાંથી જમણી બાજુ વળીને ઝવેરી સર્કલ (ચકરી સર્કલ) જવાનું રહેશે. ત્યાર બાદ ફરી જમણી બાજુ વળીને કર્ણાવતી ક્લબ જઈને એસજી હાઇવે તરફ જવાનું રહેશે. સમગ્ર રસ્તા પર ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવા માટે ટ્રાફિક પોલીસના અધિકારીઓએ સરવે કામગીરી કરી છે અને આ પ્રમાણે ટ્રાફિકના જવાનો ઊભા રાખવામાં આવશે. ટ્રાફિક જામ ન થાય તેના માટે બ્રિજની કામગીરી કરતી કંપની પણ ટ્રાફિક મેનેજમેન્ટમાં જોડાશે. જો કે, ઈસ્કોનથી સરખેજ તરફ જવાનો માટેનો રોડ ચાલુ રાખવામાં આવ્યો છે. વાયએમસીએથી કર્ણાવતી ક્લબ તરફનો રોડ 1.2 કિમી છે.
વાહનચાલકો માટે વૈકલ્પિક રોડ
સરખેજ, સાણંદ તરફથી આવતાં વાહનચાલકોએ વાયએમસીએ ચાર રસ્તાથી ડાબે વળી ભગવાન સર્કલ અને ત્યાંથી જમણે વળી ઝવેરી સર્કલ (ચકરી સર્કલ) જવાનું રહેશે. ત્યારબાદ ફરી જમણી બાજુએ વળી કર્ણાવતી ક્લબ થઈ એસજી હાઇવે પર નીકળવાનું રહેશે.
પ્રહલાદનગરથી કર્ણાવતી ક્લબ જવા વાહનચાલકને બે વૈકલ્પિક રોડ મળશે
પ્રહલાદનગરથી કર્ણાવતી જંક્શન જવા બે વૈકલ્પિક રૂટ મળશે. પહેલો પ્રહલાદનગરથી ડાબે વળી વાયએમસીએ અને ત્યાંથી બાજુમાં દર્શાવેલો અંદરનો રોડ લઈ કર્ણાવતી ક્લબ જઈ શકાશે. બીજા વિકલ્પમાં પ્રહલાદનગર ચાર રસ્તાથી જમણી બાજુ વળાંક લઈ સર્વિસ રોડ પર કર્ણાવતી જંક્શન સુધી જવાનું રહેશે.