Gujarat

કોરોનાગ્રસ્ત પુત્રીને લઈ માતા ન્યુઝીલેન્ડ પહોંચી !

By GS Team
28 Dec 20212 mins read
This article was originally published on 28 Dec 2021
કોરોનાગ્રસ્ત પુત્રીને લઈ માતા ન્યુઝીલેન્ડ પહોંચી !

અમદાવાદ એરપોર્ટથી ગયેલી મહિલા સામે FIR

નિકોલની મહિલા સામે મ્યુનિ.ના તબીબની ફરિયાદ : રિપોર્ટ મોડો આવ્યો કે પછી છેડછાડ ?

અમદાવાદ : બાળકોને પણ હવે કોરોના થઈ રહ્યો છે ત્યારે અમદાવાદથી એક મહિલા ચાર વર્ષની પુત્રીને કોરોના થયો હોવા છતાં તેને સાથે લઈ ન્યુઝિલેન્ડ પહોંચી ગઈ છે. માતા-પુત્રી અમદાવાદ એરપોર્ટથી વિમાનમાં બેસી ન્યુઝિલેન્ડ પહોંચી ગયા પછી ખબર પડતાં નિકોલ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

નિકોલ અર્બન હેલૃથ સેન્ટર ખાતે મેડીકલ ઓફિસર ડો. શેફાલીબહેન હીમાંશુકુમાર પટેલે નિકોલ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તા. 24 ડીસેમ્બરે સવારે મેડીકલ સ્ટાફ ચાર વર્ષની બાળકી ક્રીશા પિયુષભાઈ ડુંગરાણીને ક્વોરન્ટાઈન કરાવવા વિશ્વ રેસીડન્સી ખાતેના તેમના ઘરે પહોંચ્યા હતા. તા. 23ના રોજ લેબોરેટરીમાંથી આવેલા રિપોર્ટમાં બાળકી ક્રિશાને કોરોના પોઝીટિવ આવ્યો હતો.

આરોગ્ય ટીમે તપાસ કરતાં ઘરે ક્રીશાના દાદા રવજીભાઈ ઝવેરભાઈ ડુંગરાણી મળ્યા હતા. તેમણે આરોગ્ય ટૂકડીને જણાવ્યું હતું કે, તા. 23ના રાતે સાડા દસેક વાગ્યાની આસપાસ ક્રિશા ન્યુઝિલેન્ડમાં રહેતા પિતા પિયુષના ઘરે તેની મમ્મી હીરલબહેન સાથે ગઈ છે. પુત્રી ક્રિશા કોરોના પોઝીટીવ છે તેવું જાણતા હોવા છતાં તેને લઈ ન્યુઝિલેન્ડ ગયેલી માતા હીરલબહેન સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે.

પોલીસે જણાવ્યું કે, બાળકીનો કોરોના  હોવાનો રિપોર્ટ મોડો આવ્યો હતો કે તેમાં છેડછાડ કરવામાં આવી હતી? સંભવ છે કે એક રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય અને બીજા રિપોર્ટમાં કોરોના પોઝીટિવ જણાયો હોય, આ મુદ્દા પોલીસની તપાસ હેઠળ છે. પિયૂષભાઈ ન્યુઝિલેન્ડ રહે છે અને તેમની પાસે તેમના પત્ની અને પુત્રી ગયા છે તેમાં ચાર વર્ષની પુત્રી કોરોના હોવા છતાં અમદાવાદથી વિમાનમાં ટ્રાવેલ કરી ન્યુઝિલેન્ડ પહોંચી છે.