જામનગરમાં ઉબડ-ખાબડ રસ્તા પર બેલેન્સ ગુમાવતાં માતા-પુત્ર ખુલ્લી ગટરમાં પટકાયા
Jamnagar Accident: જામનગરમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં રહેતા 39 વર્ષીય રેશ્માબેન સંજયભાઈ આજે સવારે એક્ટિવા પર પોતાના પુત્રને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતાં. ત્યારે ઉબડખાબડ વાળા રસ્તા પર રેશ્માબેને બેલેન્સ ગુમાવતાં પુત્ર સાથે ખાડામાં પડ્યા હતાં. જો કે, સદનસીબે માતા અને પુત્ર બંને સહીસલામત હતાં.
GJ10-ED 5936 નંબર પ્લેટવાળા એક્ટિવા પર રેશ્માબેન પોતાના પુત્ર સાથે જઈ રહ્યા હતાં. તે દરમિયાન કાચો અને ઉબડખાબડ વાળા રસ્તા પર અચાનક બેલેન્સ ગુમાવ્યું હતું. જેથી માતા અને પુત્ર આ રસ્તા પર ભૂર્ગભ ગટર માટે બનાવવામાં આવેલી કુંડીમાં પડ્યા હતાં. પુત્રને કોઈ ઈજા થઈ ન હતી. પરંતુ માતા ઘાયલ થઈ હતી. ત્યાંથી પસાર થનારા અન્ય વ્યક્તિનું આ અકસ્માત પર ધ્યાન જતાં તુરત જ 108 બોલાવી હતી.\
આશરે 15 ફૂટ ઊંડા ગટરના ખાડામાંથી સ્થાનિકો તેમજ 108ની ટુકડીએ મહિલા અને બાળકને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા. બાળકને કોઈ ઈજા થઈ ન હતી, અને તેનો બચાવ થયો હતો. જયારે માતા રેશ્માબેન ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ સુધારા પર છે. આ અકસ્માતની જાણ થતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.