Get The App

સેવન્થ ડે જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જોવાની ફરજ સરકારની, ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
સેવન્થ ડે જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જોવાની ફરજ સરકારની, ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ 1 - image


Seventh Day School News: સેવન્થ ડે એડવેન્ટીસ્ટ સ્કૂલમાં થોડા દિવસ પહેલા જ એક વિદ્યાર્થી દ્વારા સગીરની હત્યાના વિવાદમાં સેવન્થ ડે સ્કૂલને અમદાવાદ શહેર ડીઇઓ તરફથી ફટકારવામાં આવેલી કારણદર્શક નોટિસ અને તેની પાસેથી માંગવામાં આવેલા દસ્તાવેજો સહિતની કાર્યવાહીને પડકારતી વિવાદીત સેવન્થ ડે સ્કૂલ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી બે અલગ-અલગ રિટ અરજીઓ પહેલી જ સુનાવણીમાં જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે આકરા વલણ સાથે ફગાવી દીધી છે. 

હાઇકોર્ટે સ્કૂલને કોઇપણ રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જસ્ટિસ નિખિલ કેરીયલે બહુ માર્મિક ટકોર કરતાં જણાવ્યું કે, સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યાનો બનાવ લોકોને હચમચાવી નાંખતો છે. સરકારની લોકો માટે જવાબદારી, ખાસ કરીને વાલીઓને જવાબદાર હોય છે. સ્કૂલોમાં ફરી આ પ્રકારની કોઇ ઘટના ના બને તે જોવાનું કામ અને ફરજ સરકારના છે. 

હાઇકોર્ટે સેવન્થ ડે સ્કૂલની બંને અરજીઓ ફગાવતાં જણાવ્યું કે, શાળાને દસ્તાવેજો આપવામાં વાંધો ના હોવો જોઇએ, તેમણે ઉલ્ટાનું તપાસમાં સાથ સહકાર આપવો જોઇએ. હાઇકોર્ટે એક રીતે ડીઇઓને સમગ્ર પ્રકરણમાં તપાસની લીલીઝંડી આપતાં જણાવ્યું કે, ડીઇઓને તપાસ કરવા દો. જો કંઇ ખામી નીકળે તો સ્કૂલ તેને સુધારે. સ્કૂલની એનઓસી કે માન્યતા રદ ના થાય ત્યાં સુધી સ્કૂલને હાલના તબક્કે કોઇ વાંધો હોવો જોઇએ નહી. પાછળથી સ્કૂલ માટે કાનૂની વિકલ્પ ખુલ્લા છે. 

સેવન્થ ડે સ્કૂલ દ્વારા આરટીઇ એકટ હેઠળ નીમાયેલી પાંચ સભ્યોની તપાસ સમિતિની કાયદેસરતાને પણ પડકારાઇ હતી. અમદાવાદ શહેરના ડીઇઓ રોહિત ચૌધરી દ્વારા તાજેતરમાં જ સેવન્થ ડે સ્કૂલને શો-કોઝ નોટિસ ફટકારી ધોરણ-1થી 12 સુધીના અભ્યાસ અંગેની પરવાનગી, આઇસીએસઇ બોર્ડનું જોડાણ પ્રમાણપત્ર, ગુજરાત સરકારના એનઓસીની નકલ, માન્યતાપ્રાપ્ત શાળા તરીકેનો નકશો, શાળાનો ટ્રસ્ટ ડીડ, ફાયર એનઓસી, શાળાના પરિસરમાં કાર્યરત સંસ્થાઓ, શિક્ષકોની લાયકાત, મકાન ઉપયોગ અને પરવાનગી સહિત વિવિધ પ્રકારના 16 જેટલા દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. જેની સામે શાળા તરફથી ડીઇઓના કોમ્યુનિકેશન અને સંબંધિત દસ્તાવેજોની માંગણીને પણ પડકારાઇ હતી. 

સ્કૂલ તરફથી કરાયેલી અરજીનો સખત વિરોધ કરતાં રાજય સરકાર તરફથી મદદનીશ સરકારી વકીલ ધારિત્રી પંચોલીએ અદાલતનું ઘ્યાન દોરતાં જણાવ્યું કે, અરજદાર સ્કૂલની હાલની અરજીઓ ટકી શકે તેમ જ નથી અને તે ફગાવી દેવાને પાત્ર છે. કારણ કે, નિયમો મુજબ, ડીઇઓને કોઇપણ સ્કૂલ હોય તો તેની પાસેથી સંબંધિત દસ્તાવેજો અને કાગળો માંગવાની સત્તા છે. વળી, સેવન્થ ડે સ્કૂલ પાસે પ્રાથમિક વિભાગ માટેનું માઇનોરીટી સર્ટિફિકેટ નથી. તેથી સ્કૂલ જે માઇનોરોટી સ્કૂલના ઓઠા હેઠળ જે બચાવ કરે છે તે પણ ટકી શકે તેમ નથી. 

નિર્દોષ વિદ્યાર્થીની હત્યા બાદ શાળાએ બતાવવા ખાતર સાત સભ્યોની ઇન્ટર્નલ કમીટી બનાવી દીધી હતી, તેમાંથી બે સભ્યોએ તો ડીઇઓને લખીને આપ્યું છે કે, તેમના નામો લખી દેવાયા છે, હકીકતમાં તેમને કંઇ ખબર જ નથી. આમ, સ્કૂલનું આ પગલું પણ એક ડીંડક છે. વળી, ડીઇઓ કે સરકાર દ્વારા હજુ સુધી શાળા વિરૂદ્ધ કોઇ પગલાં લેવાયા નથી અને માત્ર નોટિસ અપાઇ છે. અને દસ્તાવેજો માંગવામાં આવ્યા છે, જે માંગવાનો તેમની પાસે પૂરેપૂરો અધિકાર છે. આ સંજોગોમાં શાળાની અરજીઓ હાઇકોર્ટે ફગાવી દેવી જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે સેવન્થ ડે સ્કૂલની અરજીઓ ધરાર ફગાવી દીધી હતી. 

શાળામાં તોડફોડ કેસમાં ત્રણ વિદ્યાર્થીઓ ફરિયાદ રદ કરાવવા હાઇકોર્ટમાં 

નિર્દોષ વિદ્યાર્થીની હત્યા બાદ રોષે ભરાયેલા લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં તોડફોડના કેસમાં સ્કૂલ તરફથી નોંધાવાયેલી ફરિયાદના કેસમાં ત્રણ વિદ્યાર્થીઓએ પોતાની વિરૂદ્ધની આ ફરિયાદ રદ કરાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી છે, જેમાં હાઇકોર્ટે સરકારપક્ષ અને પોલીસને નોટિસ જારી કરી અરજદાર વિદ્યાર્થીઓ વિરૂદ્ધ ધરપકડ સહિતની કાર્યવાહી કરવા પર સ્ટે ફરમાવ્યો હતો અને કેસની વધુ સુનાવણી 4 નવેમ્બર રાખી છે. કેસની સુનાવણી વખતે હાઇકોર્ટે ટકોરકરી કે, શાળાને બાળકોની સુરક્ષાના પગલાં લેવાનું સૂઝયુ નહી અને ફરિયાદ કરવા તરત તૈયાર થઇ ગઇ. 

13 વર્ષનો સગીર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હતો ત્યારે બાજુમાં ઉભેલો સિક્યોરિટી ગાર્ડ પણ મૂકપ્રેક્ષક બની રહ્યો હતો. હાઇકોર્ટે શાળાની ટીકા કરી હતી. અરજદાર વિદ્યાર્થીઓ તરફથી જણાવાયું હતું કે, શાળામાં તોડફોડનો બનાવ માત્ર વિદ્યાર્થીની હત્યાના પ્રત્યાઘાતરૂપે લોકોનો સ્વયંભૂ આક્રોશ હતો, જે આટલી મોટી ઘટના ઘટી હોઇ સ્વાભાવિક છે. વળી, અરજદારો તોડફોડ કરતા હોય તેવા કોઇ સીસીટીવી મળતા હોય તો તેઓ દંડ ભરવા પણ તૈયાર છે. પરંતુ તેઓને ખોટી રીતે કેસમાં સંડોવી દેવાયા છે, તેથી તેમની સામેની ફરિયાદ રદબાતલ ઠરાવવી જોઇએ. 

શાળાએ ગંભીર બનાવ પર ઢાંકપિછોડો કરવાનો હીન પ્રયાસ કર્યો

સરકારપક્ષ તરફથી મદદનીશ સરકારી વકીલ ધારિત્રી પંચોલીએ હાઇકોર્ટનું કેટલીક ચોંકાવનારી હકીકતો પરત્વે ઘ્યાન દોરતાં જણાવાયું કે, સેવન્થ ડે સ્કૂલે નિર્દોષ વિદ્યાર્થીની કરપીણ હત્યાના આટલા મોટા અને ગંભીર બનાવને ઢાંકપિછોડો કરવાનો હીન પ્રયાસ કર્યો છે. જે દિવસે બનાવ બન્યો એ જ દિવસે ડીઇઓએ શાળાનો ખુલાસો પૂછયો હતો કે, તમે આ ઘટના અંગે કેમ ડીઇઓને જાણ ના કરી...?? બનાવના બીજા દિવસે બેકાબૂ ટોળા અને ભારેલા આક્રોશ જેવી સ્થિતિને લઇ ડીઇઓએ સ્કૂલને ઓનલાઇન કલાસ લેવા તાકીદ કરી હતી. પરંતુ શાળાનો કોઇ જ જવાબ આવ્યો ન હતો. તેથી ફેકલ્ટીની ગંભીર બેદરકારી અને આ સમગ્ર બનાવને નાની વાત ગણવાથી ડીઇઓ શાળાને એનઓસી રદ કરવા અંગે નોટિસ ફટકારી હતી.  

Tags :