સુરતમાં એક વર્ષમાં ફાયર બિગ્રેડને 3500થી વધુ કોલ : 10 લાશ્કરો ઘાયલ

- આજે રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ
- રવિવારે ગોડાદરામાં મકાનમાં આગ લાગી અને ડભોલી
રોડ પર દોડતા ટેમ્પો ટ્રાવેલ્સની બેટરીમાં શોર્ટ સરકિટથી ધુમાડો નીકળ્યો
સુરત :
સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં ફાયર બિગ્રેડના જવાનો ક્યાંય પણ આગ લાગે ત્યારે પોતાના જીવની પરવા કર્યા વગર વિના લોકો બચાવવા દોડી જાય છે. તેઓ પોતાનું જીવન જોખમમાં મુકીને ભડકતી જ્વાળાઓ વચ્ચે તેમની ફરજ નિભાવે છે.તેવા સમયે આજે રવિવારે ગોડાદરામાં મકાનમાં શોર્ટ સરકિટ થતા આગ લાગી અને ડભોલી રોડ પર ે દોડતી ટેમ્પો ટ્રાવેલ્સ ગાડીમાં બેટરીમાં શોર્ટ સરકીટ થતા ધુમાડો નીકળ્યો હતો.આ સાથે એક વર્ષમાં શહેરમાં વિવિધ વિસ્તારમાં ફાયર બિગ્રેડને ૩૫૦૦ થી વધુ કોલ મળ્યા હતા.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ગોડાદરામાં સુપર સિનેમાં પાસે બાલાજી નગરમાં આજે સવારે પતરાના મકાનમાં શોર્ટ સરકિટથી આગ ભડકી ઉઠી હતી. કોલ મળતા ફાયર લાશ્કારોએ ત્યાં પહોચીને થોડા સમયમાં આગ બુઝાવી હતી. આગના લીધે ફિઝ, ટી.વી, મંદિર, વાયરીંગ સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હતું. બીજા બનાવમાં ડભોલી રોડ પર પ્રમુખ પાર્ક સોસાયટી પાસે આજે સવારે દોડતી ટેમ્પો ટ્રાવેલ્સ ગાડીમાં બેટરીમાં શોર્ટ સરકિટ થતા ધુમાડો નીકળ્યો હતો. જેથી ચાલકે તરત સાઇડમાં ગાડી મુકી આગ બુઝાવવો પ્રયાસ કર્યો હતો. કોલ મળતા ત્યાં પહોચીને ફાયરના જવાનોએ કુલીંગની કામગીરી કરી હતી.
મ્યુનિ.ના ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે કહ્યુ કે, સુરત શહેર સહિતના વિસ્તારમાં ૨૪ કલાકમાં ગમે ત્યાંથી આગ લાગવા કે હોનારત કે ફસાયો સહિતના નાના મોટા કોલ આવતાની સાથે ઓફિસર સહિત જવાનો ઘટના સ્થળે ધસી જાય છે. શહેરમાં ૨૨ ફાયર સ્ટેશનમાં ૧૦૫૦ ફાયરના ઓફિસર સહિત જવાનો ૨૪ કલાક ખડેપગે જીવની પરવા કર્યા વગર સેવા આપે છે. છેલ્લા એક વર્ષમાં ફાયર કંન્ટ્રોલ રૃમમાં ૩૫૦૦થી વધુ કોલ આવતા તરત ઘટના સ્થળે પહોચીને જરૃરી કામગીરી કરી હતી. જેમાં ૧૦થી વધુ ફાયરજવાનો દાઝી જવા સહિતની ઇજાગ્રસ્ત બન્યા હતા. વધુમાં કહ્યુ કે, હાલ ઉનાળાની ગરમીમાં ફાયર વિભાગને ઇલેકટ્રીક શોર્ટ સરકીટને કારણે આગના કોલ વધી રહ્યા છે. જોકે, ઇલેકટ્રીક પ્રકારની આગને રોકવા માટે વિદ્યુત સુરક્ષા નિવારક પગલાં લેવા જોઇએ કે, આઇ.એસ.આઇ ચિન્હિત વિદ્યુત સામગ્રી અને ઉપકરણોનો ઉપયોગ કરવો જોઇએ. થ્રી-ફેઝ સિસ્ટમમાં યોગ્ય લોડ બેલેન્સિંગ કરાવવુ જોઇએ. ફાયર વિભાગ જનજાગૃતિ માટે વિવિધ સ્કુલ, કોલેજ, ટયુશન કલાસ, મોલ, હોસ્પિટલ, કોમર્શિયલ ઇમારતો સહિત લોકો એકત્રત થાય છે ત્યાં મોકડ્રીલ કરે છે અને ફાયરના સાધનો વાપરવાની તાલીમ આપવામાં આવે છે.

