ગુજરાતમાંથી 200થી વધુ ગેરકાયદે બાંગ્લાદેશી પકડાયા, પણ ક્યાંથી તેનો DGP એ નથી કર્યો ઉલ્લેખ
200 Illegal Bangladeshis Caught From Gujarat : ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં વિદેશી નાગરિકોને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અમદાવાદ અને સુરત શહેરમાં દરોડા પાડીને શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. તેવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસે સુરતમાંથી 109 બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા છે. હાલ તમામને રાંદેર ભિક્ષુક ગૃહ ખાતે રખાયા છે. હવે ઝડપાયેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરાશે.
ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ, સુરત સહિતના વિસ્તારોમાં ગેરકાયદે વસવાટ કરતાં વિદેશી નાગરિકોને શોધીને તેમની અટકાયત કરવામાં આવી છે. જોકે, રાજ્યમાં 200થી વધુ ગેરકાયદે બાંગ્લાદેશી પકડાયા છે, ત્યારે આ તમામ બાંગ્લાદેશીઓ ક્યાંથી ઝડપાયા તેને લઈને DGPએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
આ પણ વાંચો: ગુજરાત પેટાચૂંટણી: કડીમાં બે જૂથ સામસામે આવી જતાં વિવાદ, પોલીસે મામલો થાળે પાડ્યો
જ્યારે બાંગ્લાદેશી ઝડપાયા હોવાને લઈને રાજ્ય ગૃહમંત્રીએ જણાવ્યું છે કે, 'ગુજરાત પોલીસ દ્વારા 100 કલાકમાં 200 કરતાં વધુ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં 36 કલાકની અંદરમાં સુરત શહેર પોલીસે 109 અને બે દિવસમાં ભરૂચ જિલ્લા પોલીસે 46 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે.' રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને પકડી પાડવાની ગુજરાત પોલીસની કામગીરીને રાજ્ય ગૃહમંત્રીએ બિરદાવી હતી.