અમદાવાદ એરપોર્ટ પર NSUIનો જોરદાર હંગામો, ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ-વિલંબ મુદ્દે કાર્યકરોએ કર્યો વિરોધ

NSUI Protest At Ahmedabad Airport : ઇન્ડિગો એરલાઇન્સમાં અચાનક સ્ટાફની અછત અને ટેકનિકલ મેનેજમેન્ટ સમસ્યાઓના કારણે હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આજે (6 ડિસેમ્બર) પણ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરાઈ છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીના જણાવ્યા મુજબ, અમદાવાદથી જતી 37 અને આવતી 35 ફ્લાઇટ એમ કુલ 72 ફ્લાઇટ કેન્સલ થઈ છે, ત્યારે ફ્લાઈટ રદ અને મોડું થવાના મામલે અમદાવાદ એરપોર્ટ પર 20થી વધુ NSUI-યૂથ કોંગ્રેસના કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. આ દરમિયાન પોલીસ દ્વારા NSUIના કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.

અમદાવાદ એરપોર્ટ પર NSUIનો જોરદાર હંગામો
દેશભરમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઇન્ડિગોની ફ્લાઈટ કેન્સલ અને મોડી પડવાના કારણે અનેક મુસાફરો અટવાયા છે. ગુજરાતમાં પણ મોટા સિટીના એરપોર્ટ પર ફ્લાઈટ કેન્સલ અને મોડું થવાના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદ એરપોર્ટ પર પરિસ્થિતિ સૌથી ગંભીર છે. આજે બપોરના 1 વાગ્યાની આસપાસ મુસાફરોને પડતી હાલાકીને લઈને અમદાવાદ એરપોર્ટ પર NSUIના કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવ્યો.
આ પણ વાંચો: ઈન્ડિગોની મુશ્કેલી વધી! તાત્કાલિક રિફંડ આપવા સરકારનો આદેશ, સુપ્રીમ કોર્ટમાં PIL
ઇન્ડિગો એરલાઇન્સમાં અચાનક સ્ટાફની અછત અને ટેકનિકલ મેનેજમેન્ટ સમસ્યાઓના કારણે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, જયપુર, ઇન્દોર, કોચી અને તિરુવનંતપુરમ સહિત અનેક એરપોર્ટ પર ફ્લાઇટ્સ મોટા પાયે રદ કરવામાં આવી છે અથવા મોડી પડી છે, જેના કારણે એરપોર્ટ ટર્મિનલ્સ પર ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોએ ઘણી જગ્યાએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને સોશિયલ મીડિયા પર પણ આની નોંધપાત્ર અસર પડી રહી છે.


