થોળની ગૌશાળામાં 20થી વધુ ગાયોના મોતથી ખળભળાટ, કાદવમાં ફસાયેલા મૃતદેહ મળ્યા
Mahesana News : મહેસાણાના કડી તાલુકાના થોળ ખાતે શ્રી રાધા કૃષ્ણ પાંજરાપોળ ટ્રસ્ટમાં ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં મોટા પ્રમાણમાં ગાયોના મોત થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. અંદાજે 20 થી વધુ ગાયોના મૃતદેહ કાદવ-કિચડમાં ફસાયેલા મળતા જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી ફેલાઈ છે.
થોળની ગૌશાળામાં 20થી વધુ ગાયોના મોતથી ખળભળાટ
આ ઘટના અંગે વેજલપુરના ગૌપ્રેમી કિરણભાઈએ જણાવ્યું કે, "ગૌશાળામાં 400થી વધુ ગાયો રાખવામાં આવી છે, પરંતુ તેમની હાલત અત્યંત દયનીય છે. ગૌશાળામાં એક પણ ઘાસનું તણખલું કે પીવા માટે પાણી નથી. ચારેય બાજુ કાદવ અને ગંદકીનું સામ્રાજ્ય છે, જેમાં પશુઓ કેવી રીતે જીવી શકે?"
જીવદયા પ્રેમીએ આ મૃત્યુ માટે સીધા સંચાલકોની બેદરકારીને જવાબદાર ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ગૌશાળામાં પૂરતા પ્રમાણમાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા નથી, જેના કારણે ગાયોના મોત થયા છે.
ગંભીર આક્ષેપો અને વેધક સવાલો
આ મામલો પ્રકાશમાં લાવનાર જીવદયા પ્રેમી કિરણભાઈએ સરકાર, ગૃહ રાજ્યમંત્રી અને પ્રશાસન પર ગંભીર આક્ષેપો સાથે વેધક સવાલો પણ કર્યા છે. તેમણે જણાવ્યું કે, મહેસાણા સહિત અન્ય મહાનગરપાલિકાઓમાંથી પકડાયેલી ગાયોને આ ગૌશાળામાં મોકલવામાં આવે છે, પરંતુ ત્યારબાદ તેમની વ્યવસ્થા કોઈ જોતું નથી. આ જ કારણે ગાયોના મોત થઈ રહ્યા છે.
ગૌપ્રેમીએ પોલીસ સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, આ ઘટના અંગે પોલીસને 100 નંબર પર પાંચ વખત ફોન કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી, તેમણે માગ કરી છે કે, પોલીસ જાતે ફરિયાદી બનીને આ મામલે કડક કાર્યવાહી કરે.
ગૌમાતા ગુમ થવાનો પણ આક્ષેપ
ગૌપ્રેમીએ અમદાવાદ મહાનગરપાલિકામાંથી 55,000 ગૌમાતાઓ ગુમ હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે. તેમણે ઉમેર્યું કે, ગૌચરની જમીનો ખાઈ ગયા પછી ગાયો રોડ પર આવી ગઈ છે. આખરે આવી ગાયોને પાંજરાપોળમાં મોકલાય છે અને જો ત્યાં યોગ્ય જાળવણી ન થાય તો તે કસાઈઓ પાસે જતી રહે છે. હાલ, જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.