5 વર્ષમાં ટેરિફ, ટેરર, લેબગ્રોને 'સુરતી હીરા' ની ચમક ઝાંખી પાડી, અમદાવાદ-પાલનપુર અને સૌરાષ્ટ્ર પણ પ્રભાવિત
Diamond Industry Of Gujarat: છેલ્લા પાંચ વર્ષથી સુરતના હીરા ઉદ્યોગની દશા બેઠી છે. તેમાં પણ દરવર્ષે આવી રહેલા નવા નવા પડકારો ઉદ્યોગને વધુ કંગાળ બનાવી રહ્યો છે. હાલ અમેરિકાના ટેરિફે ગુજરાતના હીરા ઉદ્યોગને વ્યાપક અસર કરી છે. જેના લીધે લાખો લોકો રોજગારી પર સંકટ તોળાઈ રહ્યું છે. અનેક લોકોએ આજીવિકા ગુમાવી હોવાના કિસ્સા પણ બન્યા છે.
હીરા ઉદ્યોગને નડતા પડકારો
2019-20માં કોવિડ ત્યારબાદ 2021માં પોસ્ટ કોવિડ સ્થિતિ, 2022માં યુક્રેન-રશિયા યુદ્ધ, અને ત્યારબાદ લેબોરેટરીમાં બનતા લેબગ્રોન ડાયમંડનું વ્યાપક આગમન ઈઝરાયેલ-પેલેસ્ટાઈન તણાવ અને હવે 2025માં ટ્રમ્પના ઊંચા ટેરીફને કારણે ડાયમંડ ઉદ્યોગના અંદાજિત 15 લાખ હીરા કારીગરોના જીવન પર સીધી અસર થઈ છે. જેના કારણે લગભગ પાંચ લાખ કારીગરોએ કાયમી નોકરી ગુમાવી છે અને ત્રણ લાખથી વધુ કારીગરોએ વ્યવસાયનું કાયમી સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.
ટેરિફની માઠી અસર
અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરીફ લાદવામાં આવતા તેની સીધી અસર હીરા ઉદ્યોગ પર થઈ છે. 30 ટકા ભારતીય ડાયમંડ ઉદ્યોગ અમેરિકાના માર્કેટ પર આધારિત છે ત્યારે સુરત, પાલનપુર, અમદાવાદ, અમરેલી, ભાવનગર અને જુનાગઢમાં 15 લાખથી વધુ હીરા કારીગરોમાં ફફડાટ ફેલાયો છે. અમેરિકાના ટેરિફના કારણે હીરાની નિકાસમાં 40થી 45 ટકા સુધીનો ઘટાડો નોંધાશે.
પાંચ લાખ લોકોએ વ્યવસાય બદલ્યો
છેલ્લા બે વર્ષમાં પાંચ લાખથી વધુ હીરા કારીગરોએ પોતાનો વ્યવસાય બદલવાનો નિર્ણય લઈ લીધો છે. એકલા સુરતમાં જ દસ લાખ કારીગરો કામ કરી રહ્યા છે. જ્યારે અમદાવાદ અને સૌરાષ્ટ્રના કુલ મળીને 5 લાખ હીરા કારીગરો સીધા પ્રભાવિત થયા છે ભાવનગર, અમરેલી અને જુનાગઢના ફર્મોમાં એક લાખ કારીગરોએ તો નોકરી ગુમાવી છે. સુરતમાં માસ લેવલે નોકરીઓ જઈ રહી છે. દોઢ લાખ કારીગરોને અચોક્કસ મુદત સુધી નહીં આવવા જણાવી દેવામાં આવ્યુ છે.
આ પણ વાંચોઃ ઑસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા લોકો, ભારતીયોને પણ નિશાને લેવાયા
ટેક્સટાઈલ તરફ વળ્યા પણ...
સુરતમાં મોટા ભાગના કારીગરો ટેક્સટાઈલ ઉદ્યોગમાં શિફ્ટ કરવા લાગ્યા છે. પરંતુ ટેક્સટાઈલ સેક્ટર પણ ટેરિફના સંકજામાં આવ્યું છે. જો કે, ટેક્સટાઈલ સેક્ટરને અમેરિકાનો વિકલ્પ સરળતાથી મળશે તેવો આશાવાદ છે. હીરાના ઘણઆ વેપારીઓએ પારંપારિક ખેતી, એમ્બ્રોઈડેરી કે ક્લાઉડ કિચનનો વિકલ્પ પણ રોજગાર તરીકે અપનાવવાનું નક્કી કર્યું છે. ટેરિફના સમાચારથી ત્રણ લાખ નોકરીઓને સીધી અસર થઈ છે. છતાં હજુ લોકોને ઊંડે ઊંડે આશા છે કે ટેરિફમાં ફેરફાર થતાં ફરી માર્કેટ ઊભું થશે. પરંતુ તેની વ્યાપક અસર થશે તો જાણકારોના મતે 90 ટકા જવેલરી ઉદ્યોગની નોકરીઓ પર તેની અસર થશે.
લેબગ્રોન ડાયમંડની પણ અસર
પાલનપુર હીરા ઉદ્યોગ ઉદ્યોગપતિઓનું સૌથી મોટું હબ રહ્યું છે જ્યાં હીરાના ઉત્પાદન ઘટી રહ્યા છે. અમદાવાદમાં આવેલા જ્વેલરી શોરૂમ અને પ્રોસેસિંગ યુનિટમાં કારીગરો સીધા કે આડકતરી રીતે નોકરી ગુમાવી રહ્યા છે. એક તરફ હીરામાંથી લેબોરેટરી બેઝ લેબગ્રોન પ્રોસેસિંગ યુનિટમાંથી શિફ્ટીંગ થયું અને હવે ટેરિફને કારણે ઓર્ડર ઘટતાં અમદાવાદના હીરા બજારમાં માઠી દશા જોવા મળી છે. સુરતમાં ઘણી ફેક્ટરીઓમાં લેબગ્રોનના આવ્યા પછી 70ટકા સ્ટાફ ઓછો કરવામાં આવ્યો હતો, જ્યાં 10 ટકા સ્ટાફ સાથે તેઓ કામ ચલાવી રહ્યા છે. હાલમાં સુરતના વેપારીઓ વિકલ્પ તરીકે દુબાઈ, યુરોપ, લેટીન અમેરિકા અને સ્થાનિક વેચાણ તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે પરંતુ હીરા બજારને અમેરિકા આધારિત બજારમાંથી સ્વતંત્ર થતાં સમય લાગશે.