વડોદરા શહેરના સેવાસી રોડ પરની રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ થતા રોષ

Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સેવાસી કેનાલ રોડ પર આવેલ સેવાસી ખાતેના સમન્વય સ્પ્લેન્ડિડ કો.ઓ.હા. સોસાયટીના રહેણાક ફ્લેટના સળંગ ચાર ફ્લેટમાં શરૂ થયેલી હોટલમાં ખાણી પીણી માટે આવતા લોકો સહિત અન્ય રાજ્ય તથા વિદેશના નબીરાઓ આવીને નશામાં ચૂર થઈને મહિલાઓ સહિત નાની બાળાઓની છેડતી જેવી પ્રવૃત્તિના આક્ષેપો અંગે તાલુકા પોલીસના ચોર કોટવાલને દંડે તેવા જવાબો આપતા પાલિકા તંત્ર સમક્ષ દસ દિવસ અગાઉ કરેલી રજૂઆતનું કોઈ પરિણામ નહીં આવ્યાના આક્ષેપો કરી પુન: ઉગ્ર રજૂઆત સહિત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જોકે એક વર્ષ અગાઉ તંત્ર સમક્ષ રજૂઆત કરાતા પાલિકા દ્વારા આ હોટલને સીલ કરાઈ હતી પરંતુ ગત નવરાત્રીમાં ફરિવાર શરૂ થતા રહીશો ઉશ્કેરાયા હતા.
ઉલ્લેખનીય છે કે સેવાસી ભાયલી કેનાલ પર સેવાસી રોડ ખાતે આવેલ રહેણાક સોસાયટીના સળંગ ચાર ફ્લેટમાં શોર્ટ ટર્મ રેન્ટલ પ્રવૃત્તિઓ પણ થઈ રહી હોવાથી શાંતિ ભંગ થવાની શક્યતા નકારી શકાતી નથી. આ રહેણાંક સોસાયટીમાં કોઈપણ શોર્ટ ટર્મ રેન્ટલ ટર્મમાં હોટલ પ્રવૃત્તિ પણ શરૂ થતા સુરક્ષા- શાંતિ ભંગ થવાની સ્થિતિ સર્જાઈ છે. રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં બહારના લોકો રાત્રે નશો કરી પાર્ટીનું આયોજન કરતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. કંપનીના સ્ટાફ અને મુલાકાતીઓ આવતા રહેણાંક વિસ્તારને વ્યાપારી ઝોન બનાવી દેવાયો છે. ઉપરાંત મહિલાઓની સુરક્ષા ખતરામાં છે. તંત્રની અથવા અન્ય મંજૂરી વગર વ્યાપારી રીતે ભાડે આપવાની ગેરકાનૂની પ્રવૃત્તિ, જે રેસિડેન્શિયલ ઝોનના નિયમોનો ભંગ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. પાલિકા તંત્રને એક વર્ષ અગાઉ આ બાબતે ફરિયાદ કરી હતી ત્યારે તંત્ર દ્વારા આ કોમર્શિયલ પ્રવૃત્તિ કરનારાઓની જગ્યાને સીલ મારવામાં આવ્યું હતું. પરંતુ ગઈ નવરાત્રીથી ફરી એકવાર આ જગ્યાએ પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. દસ દિવસ અગાઉ પાલિકા તંત્રને લેખિત જાણ કરવા છતાં હજી સુધી કોઈ કરાઈ નથી. તાલુકા પોલીસને રજૂઆત કરતા જેલમાં પૂરી દેવાની ધમકી આપતા હોવાના પણ આક્ષેપો થતા પાલિકા તંત્રને આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે ઘટતું કરવા ઉગ્ર રજૂઆતો કરી હતી.

