Gujarat

VIDEO | છોટાઉદેપુર: લોકાર્પણના અભાવે જિલ્લાના 10થી વધુ આરોગ્ય કેન્દ્ર ધૂળ ખાય છે, ગ્રામજનો આરોગ્ય સેવા માટે દૂર જવા મજબૂર!

By GS TEAM
5 Dec 20253 mins read
TukuTouch Logo
ગ્રામ્ય સ્તર સુધી ઉત્તમ આરોગ્ય સેવાઓ પહોંચાડવાના સરકારના ઉદ્દેશ્યને છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓની ઘોર બેદરકારી ગ્રહણ લગાવી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે 'આયુષ્યમાન આરોગ્ય મંદિર' હેઠળ તૈયાર થયેલા અનેક પેટા આરોગ્ય કેન્દ્રો આજે પણ ગ્રામજનોની સેવામાં આવ્યા વિના ધૂળ ખાઈ રહ્યા છે અને તેના દરવાજા પર કટાયેલા તાળાં લટકી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | છોટાઉદેપુર: લોકાર્પણના અભાવે જિલ્લાના 10થી વધુ આરોગ્ય કેન્દ્ર ધૂળ ખાય છે, ગ્રામજનો આરોગ્ય સેવા માટે દૂર જવા મજબૂર!

Chhota Udepur News : ગ્રામ્ય સ્તર સુધી ઉત્તમ આરોગ્ય સેવાઓ પહોંચાડવાના સરકારના ઉદ્દેશ્યને છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓની ઘોર બેદરકારી ગ્રહણ લગાવી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે 'આયુષ્યમાન આરોગ્ય મંદિર' હેઠળ તૈયાર થયેલા અનેક પેટા આરોગ્ય કેન્દ્રો આજે પણ ગ્રામજનોની સેવામાં આવ્યા વિના ધૂળ ખાઈ રહ્યા છે અને તેના દરવાજા પર કટાયેલા તાળાં લટકી રહ્યા છે.

બોડેલી તાલુકામાં જ અંદાજે 10 જેટલાં આરોગ્ય કેન્દ્રો સંપૂર્ણપણે તૈયાર હોવા છતાં તેનું લોકાર્પણ થયું નથી. જેને કારણે ગ્રામજનોને પોતાના જ ગામમાં મળવાપાત્ર પ્રાથમિક આરોગ્ય સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે.

4 કિમી દૂર જવાની મજબૂરી

બોડેલી તાલુકાના નાના અમાદ્રા ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર તૈયાર છે, તેમ છતાં આજે પણ ગામના લોકોને 4 કિમી દૂર આવેલા અન્ય આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર પર જવું પડે છે. ગામના લોકો અને સરપંચો માત્ર એટલી જ રાહ જોઈ રહ્યા છે કે કોઈ અધિકારી આવીને રીબીન કાપી તેનું લોકાર્પણ કરે, જેથી તેનો ઉપયોગ શરૂ થઈ શકે.

આ જ હાલત કાશીપુરા ગામના આરોગ્ય કેન્દ્રની છે. જ્યાં મુલાકાત લેતા દરવાજા પર કટાયેલા તાળાં જોવા મળ્યા.

પ્રસુતિ પીડામાં 108ની રાહ જોવી પડે છે

કાશીપુરા ગામના સરપંચના જણાવ્યા મુજબ, ગામમાં કેન્દ્ર તૈયાર હોવા છતાં તેનો ઉપયોગ ન થવાથી ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે. તેમણે જણાવ્યું હતું કે, "કોઈ સગર્ભા મહિલાને પ્રસુતિ પીડા ઉપડે, તો તેને તાત્કાલિક સારવાર મળવાને બદલે 3 કિમી દૂર લઈ જવા માટે 108ને બોલાવવી પડે છે. આયુષ્યમાન કેન્દ્રનો લાભ ગામમાં જ મળે તે માટે અમે વહેલી તકે લોકાર્પણ થાય તેવી માંગ કરી રહ્યા છીએ."

સરકાર લાખો-કરોડોનો ખર્ચ ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પહોંચાડવા માટે કરી રહી છે, પરંતુ અધિકારીઓની ઉદાસીનતા અને સમયનો અભાવ આ યોજનાના ઉદ્દેશ્યને નિષ્ફળ બનાવી રહ્યો છે.

સુમસામ ઇમારતોની આસપાસ જામ્યો જંગલ

હાલમાં જ્યાં આ પેટા આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, તે ઇમારતો સુમસામ ભાસી રહી છે. કેન્દ્રની આસપાસ ઝાંડી-ઝાંખરા ઊગી નીકળ્યા છે અને બંધ દરવાજા પર લટકેલા તાળાં પણ કટાઈ રહ્યા છે.

આ પણ વાંચો: નર્મદા: AAP જિલ્લા પ્રમુખ પર બુટલેગરના હુમલાના પ્રયાસ બાદ ચૈતર વસાવાનું પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ

ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે, સરકાર તાત્કાલિક આ બાબતે ધ્યાન આપીને સંબંધિત અધિકારીઓને લોકાર્પણની પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપે, જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને તેમના ગામમાં જ પાયાની આરોગ્ય સુવિધાનો લાભ મળી શકે. હવે જોવું એ રહ્યું કે, અધિકારીઓને આ લોકાર્પણ માટે 'સમય' મળે છે કે નહીં.

જિલ્લા આરોગ્ય અધિકારીએ શું કહ્યું?

છોટાઉદેપુરના જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પાઉલ વસાવાએ જણાવ્યું હતું કે, 'છોટાઉદેપુરમાં હાલમાં 310 જેટલાં સબ સેન્ટર મંજૂર છે. જેમાંથી 247 સેન્ટરમાં આરોગ્ય સુવિધા ચાલુ છે. 23 જેટલાં નવા સબ સેન્ટરની કામગીરી ચાલી રહી છે. જેમાં 4 જેટલાં સેન્ટરનું કામ પૂર્ણ થયું છે, જેનું આગામી 31 ડિસેમ્બર સુધીમાં લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે જર્જરીત અને ખંડેર હાલતમાં હોય તેવા 36 જેટલા આરોગ્ય સેન્ટરને નવા બનાવવા માટે મંજૂરી મેળવવા સરકારને દરખાસ્ત કરી છે.'