Bootlegger Attack on AAP District Leader : નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગર દ્વારા હુમલાનો નિષ્ફળ પ્રયાસ થતા મામલો બિચક્યો છે. આ ઘટના બાદ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તાત્કાલિક રાજપીપળા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે ઉગ્ર ચર્ચા કરી હતી. બીજી તરફ, ભાજપ જિલ્લા પ્રમુખ નિલ રાવે નિરંજન વસાવા સામે ગંભીર આક્ષેપો કરી વળતો પ્રહાર કર્યો છે.
પોલીસ સ્ટેશનમાં હોબાળો
પ્રાપ્ત વિગતો મુજબ રાજપીપળાના સંતોષ ચાર રસ્તા પાસે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા ઉપર બુટલેગર દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય ચૈતર વસાવા અને મોટી સંખ્યામાં આપના કાર્યકરો રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા. ત્યાં ટાઉન પોલીસ અને એલ.સી.બી. પી.આઈ. સાથે ધારાસભ્યની ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચૈતર વસાવાએ પોલીસને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 24 કલાકમાં આરોપી અને તેના સાથીદારોને પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
દારૂના કેસથી શરૂ થયો વિવાદ
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા નિરંજન વસાવાનો ભાઈ દારૂનો ધંધો કરતા ઝડપાયો હતો, જેના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું હતું. ત્યારબાદ નિરંજન વસાવાએ ભાજપ પ્રમુખ નિલ રાવ, સાંસદ મનસુખ વસાવા અને અન્ય ભાજપ કાર્યકરો પર આક્ષેપો કર્યા હતા.
ભાજપ પ્રમુખ નિલ રાવનો વળતો પ્રહાર
નિરંજન વસાવા દ્વારા સોશિયલ મીડિયામાં મુકાયેલી પોસ્ટ અને આક્ષેપોના જવાબમાં ભાજપ જિલ્લા પ્રમુખ નિલ રાવે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, નિરંજન વસાવા પર અગાઉ 10 જેટલા કેસો નોંધાયેલા છે. તે ડિગ્રી ચોર અને વીજળી ચોર છે અને છતાં ભાજપના નેતાઓ પર પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. તેમણે નિરંજન વસાવા સામે માનહાનિની નોટિસ પણ ફટકારી છે.
જાહેર ડિબેટનો પડકાર અને સસ્પેન્શનની માંગ
નિરંજન વસાવાએ વીડિયો મારફતે જાહેર ડિબેટની વાત કરી હતી, જેને ભાજપ પ્રમુખે સ્વીકારી લીધી છે અને તેઓ જાહેરમાં ચર્ચા કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે. સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, 'શું ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા આવા ગુનાઇત પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને પક્ષમાંથી સસ્પેન્ડ કરશે?'
નિલ રાવે નિરંજન વસાવાના ભૂતકાળને યાદ કરાવતા કહ્યું હતું કે, ભૂતકાળમાં અનાજ ચોરી કરતા રંગે હાથે પકડાયા બાદ તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમના ભાઈ હાર્દિક સામે 2015માં 4.5 લાખના દારૂનો કેસ અને બીજા ભાઈ ભદ્રેશ સામે પણ અનેક ફરિયાદો છે. વધુમાં નિરંજન વસાવાએ રેલવેની જમીનમાં દબાણ કર્યું હોવાનો આક્ષેપ કરતા ભાજપ પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની સામે કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.


