રાજ્યમાં વધુ ત્રણ નવા કેસ નોંધાયા, કુલ પોઝિટિવ કેસ 108 થયાઃ જયંતિ રવિ
અમદાવાદ, તા. 4 એપ્રિલ 2020, શનિવાર
ગુજરાત માટે માઠા સમાચાર સામે આવ્યાં છએ. ગઇકાલથી અત્યાર સુધીમાં 13 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 108 થયા છે.
કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, આજે 13 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે ગાંધીનગર, બે ભાવનગર, એક પાટણ, એક સુરત અને 7 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ તમામ કેસો મોટાભાગે લોકલ ટ્રાન્સમિશનના છે. જ્યારે ચાર પોઝિટિવ દર્દીઓ સાજા થઇ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગરમાં એક 80 વર્ષીય મહિલા પણ છે. આજે કોરોનાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ સાથે જ કુલ મૃત્યાંક 10એ પહોંચ્યો છે.
અમદાવાદના ખોડિયારનગરની એક સફાઈ કર્મચારી મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મહિલા VS હોસ્પિટલમાં સફાઇકર્મી તરીકે સેવા બજાવે છે. પરિવારના અન્ય 13 લોકોને ક્વોરોન્ટાઇન કરાયા છે.
આજે સવારે 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા
ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં 10 નવા પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 105એ પહોંચી હતી. 10 નવા કેસમાં બે ગાંધીનગર, બે ભાવનગર, એક પાટણ અને પાંચ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. ગુજરાત માટે સારા સમાચાર છે કે, અમદાવાદના 80 વર્ષીય મહિલા સાજા થઈ ગયા છે.
તબલીગી જમાતના લોકોના કારણે કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા
બીજીતરફ તબલીગી જમાત મરકઝના લોકો દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા અને તેમના પરિચયમાં લોકો આવ્યા હોવાથી કેસમાં વધારો થવાની શક્યતા સેવાઇ રહી છે. જેને લઇને પોલીસ દ્વારા અમદાવાદમાં રોકાયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે કાલુપુર દરવાજા પાસેની ભંડેરી પોળની અંદર આવેલી માતાવાળી પોળમાં એક જ પરિવારના સભ્યો સહિત કાલુપુરમાં મલીક શાહ મસ્જિદ પાસેની એક વ્યક્તિ સહિત કોરોના પોઝીટીવ કુલ પાંચ કેસો બહાર આવ્યા હતા.