Morbi News: મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ બુલડોઝર ફેરવીને વર્ષો જૂના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.
દબાણ હટાવવાનું મુખ્ય કારણ
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં હાલમાં 'સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ'ની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ શહેર માટે અત્યંત મહત્ત્વનો છે, પરંતુ અનેક ગેરકાયદે બાંધકામો આ કામગીરીમાં અડચણરૂપ બની રહ્યા હતા. વારંવારની રજૂઆતો છતાં રસ્તો મોકળો ન થતા આખરે મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલાને સાથે રાખીને ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા અગાઉથી જ આક્રમકતા દાખવતા 30થી વધુ દબાણકર્તાઓને નોટિસ પાઠવીને સ્વેચ્છાએ બાંધકામ હટાવી લેવા તાકીદ કરવામાં આવી હતી.


