Get The App

આજે રાષ્ટ્રિય હેન્ડલૂમ દિવસ - પટોળાની કલાના વારસાને સાચવતા સોમાસર ગામના કારીગરો

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
આજે રાષ્ટ્રિય હેન્ડલૂમ દિવસ - પટોળાની કલાના વારસાને સાચવતા સોમાસર ગામના કારીગરો 1 - image


'છેલા જી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો'

સોમસરમાં ૬૦થી ૭૦ પરિવાર અને જિલ્લામાં ૪૦૦૦થી ૪૫૦૦ લોકો પટોળા કલાને જીવંત રાખી ઃ સુરેન્દ્રનગરના પટોળા અમદાવાદ, મુંબઇ, દિલ્હી, મુંબઇ,કલકતા, હૈદરાબાદ પહોંચ્યા

સુરેન્દ્રનગર - સામાન્ય રીતે પટોળાનું નામ આવે એટલે લોકોના મનમાં પાટણ તેમજ અતિપ્રાચિન એવા પાટણથી પટોળા મોંઘા લાવજો લોકગીત અચુક યાદ આવે જ પરંતુ સમય વિતતા પાટણના પ્રખ્યાત પટોળા હવે સ્થાનીકકક્ષાએ સીમીત રહ્યાં નથી અને સુરેન્દ્રનગર જીલ્લાના એટલે કે ઝાલાવાડના સોમાસર ગામના હસ્તકલાના કારીગરો દ્વારા પણ પટોળા કલાને જીવંત રાખી રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

'છેલા જી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો' જેવાં લોકગીતોમાં પ્રિયતમા પોતાના પ્રેમીને પાટણના પ્રખ્યાત પટોળા લાવવાનું કહે છે. આ લોકગીતના શબ્દો પટોળાની લોકપ્રિયતાના દર્શન કરાવે છે. પરંતુ હવે આ લોકગીતના શબ્દો માત્ર પાટણ પૂરતા સીમિત નથી રહ્યાં, આજે ઝાલાવાડના સોમાસર ગામના કલા કસબીઓ પોતાની આવડત અને પરિશ્રમ થકી હસ્તકલા ક્ષેત્રે નવી કેડી કંડારી પટોળા કલાને આગળ ધપાવી રહ્યા છે. મુળીના સોમાસર ગામમાં અંદાજે ૬૦થી ૭૦ જેટલા પરિવારો અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૦૦૦ થી ૪૫૦૦ જેટલાં લોકો પટોળા કલાને આગળ ધપાવી સુરેન્દ્રનગર જીલ્લાનું નામ પટોળા ઉત્પાદનમાં સમગ્ર દેશમાં રોશન કરી હસ્તકલા ક્ષેત્રને નવી રાહ ચીંધી છે. 

છેલ્લા ૫૫ વર્ષથી પટોળા બનાવતા સોમાસર ગામના વિઠ્ઠલભાઈ વાઘેલાના જણાવ્યા મુજબ તેઓએ વર્ષ ૧૯૭૦થી પટોળા વણાટની સફર શરૃ કરી હતી. લીંબડીની સર જે હાઈસ્કૂલમાં સરકારી શિક્ષક તરીકે માત્ર બે મહિના જેટલા ટુંકા સમય માટે ફરજ બજાવ્યા બાદ પૂર્વજોની પટોળા કલાને જીવંત રાખવાનો નીર્ણય લઈ નજીવી રકમ, વિજળી, પાણી, કાચો માલ અને મર્યાદીત સાધનોથી પટોળાનું ઉત્પાદન શરૃ કર્યું હતું. જેમાં આ કલાને આગળ વધારવાના હેતુથી ગ્રામજનો તેમજ સગા સબંધીઓને તાલીમ આપી આજીવીકાનું એક સાધન પણ પુરૃ પાડયું છે. 

વર્ષ ૨૦૨૨માં યુનેસ્કો અને ક્રાફ્ટ રિવાઈવલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે ભારતના ૫૦ વિશિષ્ટ અને આઇકોનિક હેરિટેજ ટેક્સટાઇલ ક્રાફ્ટની યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતની આઠ પરંપરાગત ટેક્સટાઇલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં પટોળા વણાટનો પણ સમાવેશ થયો છે તેમજ પટોળાને જીઆઇ ટેગ પણ મળી ચુક્યો છે.  

પટોળાની વણાટ પ્રક્રિયામાં બેવડ ઈકત પદ્ધતિનો ઉપયોગ થાય

પટોળા બનાવવાની પ્રક્રિયા વિશેની વાત કરતા તેમણે ઉમેર્યું કે, પટોળા બનાવવા એ અત્યંત ઝીણવટભરી અને જટિલ પ્રક્રિયા છે. જેમાં દરેક તારને ગાંઠો બાંધીને રંગવામાં આવે છે અને પછી તેને ચોકસાઈપૂર્વક વણવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા જોનારાને મંત્રમુગ્ધ કરી દે છે. પટોળા બનાવવામાં મહિનાઓ લાગી શકે છે, અને દરેક તબક્કે કારીગરની નજર અને હાથની સચોટતા અનિવાર્ય છે. રેશમના દોરાઓ અને કુદરતી રંગોની અદભૂત કારીગરી આ કલાને અનન્ય બનાવે છે. પટોળાની વણાટ પ્રક્રિયામાં બેવડ ઈકત પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેમાં આડી અને ઊભી ડિઝાઇન એવી રીતે વણવામાં આવે છે કે તેના રંગો અને ભાત ક્યારેય ઝાંખા પડતા નથી. આ વિશેષતાને કારણે જ કહેવાય છે કે, 'પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં ' એટલે કે, પટોળું ફાટે તો પણ તેની ડિઝાઇન અને રંગોની ચમક જળવાઈ રહે છે. 

ઇક્ત મુજબ પટોડાની કિંમત નક્કી થાય

પટોળાની નકશીઓમાં ફૂલ, મોર, હાથી, નર્તકી, ચોરસ ચોકડીએ સંસ્કૃતિનું જીવંત ચિત્રણ છે. અત્યારે પટોળું બનાવવા માટે રેશમ બેંગ્લોરથી, સુરતથી જરી અને કલર અમદાવાદ, રાજકોટથી મંગાવવામાં આવે છે. આ સિવાયનું બાકીનું તમામ કામ સ્થાનિક કક્ષાએ થાય છે. જ્યારે પટોળાની વેચાણ તેમજ કિંમત તેના અલગ-અલગ પ્રકાર જેમ કે, ડબલ ઇક્ત, સેમી ઇક્ત, સિંગલ ઇક્તમાં સાડીઓ મુજબ થાય છે. 

એક પટોળાની કિંમત ૧૦ હજારથી લઇ ૩ લાખની સુધી

આ ઉપરાંત હસ્તકલા કારીગરો દ્વારા દુપટ્ટાઓ, પર્સ પણ બનાવવામાં આવે છે. અગાઉ પટોળાના વેચાણ માટે મર્યાદિત વિકલ્પો હતા પરંતુ સરકાર દ્વારા હાલ યોજાતા વેચાણ મેળાઓમાં પણ તક મળતા મોટાભાગના ઉત્પાદનોનું વેચાણ સરળતાથી થઈ જાય છે. અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા, દિલ્હી, મુંબઈ, કલકત્તા જેવા મોટા શહેરોમાં આજે પટોળા પહોંચ્યા છે. પહેલાં માત્ર સુખી અને સમૃદ્ધ પરિવારો જ તેને ખરીદી શકતા હતા. આજે એક પટોળાની કિંમત ૧૦ હજારથી લઈને ૩ લાખ  રૃપિયા સુધી હોય છે, ૩ થી ૪ વ્યક્તિઓ ૧૫થી ૨૦ દિવસનાં સમયગાળામાં એક પટોળુ તૈયાર કરે છે.


Tags :