'નવ મહિના અવકાશમાં રહી, પછી પૃથ્વી પર પાછી આવી', મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સના કર્યા વખાણ
Morari Bapu On Sunita Williams : સ્પેસ એસ્ટ્રોનટ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વીથી 400 કિમી દૂર સ્પેસ સ્ટેશનમાં માત્ર 8 દિવસ માટે ગયા હતા. તેના સ્થાને 9 મહિના રોકાવું પડયું હતું. જ્યારે હવે સુનિતા વિલિયમ્સ લાંબા મિશન બાદ પૃથ્વી પર પરત ફર્યા હતા. મહુવામાં વિદ્યા વિહાર સ્કૂલના વાર્ષિક સમારોહમાં યોજાયેલા કાર્યક્રમમાં મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સ 9 મહિના અવકાશમાં રહ્યા તેને લઈને નિવેદન આપ્યું હતું.
'આકાશના બ્રહ્માંડમાં એક દીકરી નવ મહિના રહી'
મોરારી બાપુએ કહ્યું કે, 'સુનિતા આઠ દિવસ માટે અવકાશમાં ગઈ હતી, પરંતુ તેના બદલે તેને ત્યાં નવ મહિનાથી વધુ સમય રોકાવું પડ્યું. એવું કહેવાય છે કે માના ગર્ભમાં બાળક હોય છે, ત્યારે બાળકમાં પણ આખું બ્રહ્માંડ હોય. માતા યશોદાએ ભગવાન કૃષ્ણના મુખમાં આખા બ્રહ્માંડના દર્શન કર્યા, એવું ભાગવતકારો કહે છે. બાળક માતાના પેટમાં નવ મહિના હોય તો તે આખું બ્રહ્માંડ છે. પણ કેવી અદ્ભુત ઘટના ઘટી. કે આકાશના બ્રહ્માંડમાં એક દીકરી નવ મહિના રહી અને ત્યાંથી પ્રગટ થઈને ધરતી પર આવી.'
આ પણ વાંચો: ‘હું મારા ખિસ્સામાંથી સુનીતા વિલિયમ્સને ઓવરટાઇમના નાણાં આપીશ’ ટ્રમ્પની જાહેરાત
તેમણે કહ્યું કે, 'સુનિતાને આ બળ ક્યાંથી મળ્યું. સુનિતા ગઈ ત્યારે બહાર આવ્યું હતું કે, તે ભગવત ગીતા લઈને ગઈ હતી અને ગણેશની મૂર્તિ કે બીજું કાંઈ લઈ ગઈ હતી. આ બે વસ્તુ લઈને ગઈ હતી. ગણેશે તેને વિધ્નમાંથી મુક્ત કરી અને ભગવત ગીતાએ પાછો એનો રથ ધરતી પર ઉતાર્યો. એ દીકરીને આપણે આ ક્ષણે યાદ કરીએ, સ્વાગત કરીએ. જ્યારે 45-50 દિવસ તેને લાગશે હલન-ચલન માટે, શારીરિક પ્રક્રિયાને નોર્મલ થવામાં. હનુમાનજી એને જલ્દીથી સ્વસ્થ કરે અને જલ્દી ગુજરાત આવે... '