ગુજરાતમાં કાલ સુધીમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી : ભારે વરસાદની વકી

જૂનના બે સપ્તાહ કોરા રહેતા વરસાદમાં 74 ટકાનો કાપ તા. 15, 16 સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ : રાજ્યમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદની ચેતવણી : વલસાડ, નવસારી પંથકમાં ઝાપટાં
રાજકોટ, : નૈઋત્યનું ચોમાસુ તા. 26થી મુંબઈ સુધી આવીને બે સપ્તાહથી આગળ વધતા અટકી ગયું છે અને સૌરાષ્ટ્રમાં વાવણીના આરંભ સાથે મેઘરાજાની વાટ જોવાઈ રહી છે ત્યારે આજે મૌસમ વિભાગે અન્ય રાજ્યો સાથે ગુજરાતમાં બે દિવસમાં તા. 15 સુધીમાં ચોમાસાનું આગમન થવાની આગાહી કરી છે. મેઘરાજાની એન્ટ્રી સાથે છૂટાછવાયા સ્થળે ભારે અને અન્યત્ર હળવા-મધ્યમ વરસાદની ચેતવણી પણ આજે જારી કરાઈ છે.
ગુજરાતમાં જૂનના બે માસ કોરા રહ્યા છે, તા. 1થી આજે તા. 13 જૂન સુધીમાં રાજ્યમાં સામાન્ય રીતે સરેરાશ 22 મિ.મિ. વરસાદ વરસી જતો હોય તેની જગ્યાએ આ વર્ષે માત્ર 6 મિમિથી ઓછો વરસાદ એટલે કે 74 ટકાની ખાધ પડી છે.આ જ રીતે સૌરાષ્ટ્રમાં 18.6 મિ.મિ.વરસાદ સાથે ધરતી ભીની થઈ ગઈ હોય તેની જગ્યાએ આ વર્ષે છૂટાછવાયા સરેરાશ માત્ર 2.2 મિ.મિ.ઝાપટાં માંડ વરસ્યા છે અને મોટાભાગના વિસ્તારો તો સાવ કોરા રહ્યા છે. રાજ્યમાં ગત સોમવાર સુધીમાં 77,000 હેક્ટરમાં વાવણી થઈ છે અને વરસાદ બાદ વાવણીનો ધમધમાટ શરૂ થવાની શક્યતા છે.
મૌસમ વિભાગ અનુસાર એક તરફ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, ઉત્તરપ્રદેશ સહિત રાજ્યોમાં તા. 15 સુધીમાં હીટવેવની ચેતવણી છે તો બીજી તરફ દક્ષિણ ભારતમાં અતિશય ભારે વરસાદ, સૌરાષ્ટ્ર,કચ્છ, ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત,ગોવા સહિત વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. આજે વલસાડ, નવસારી પંથકમાં હળવા ઝાપટાં શરૂ થયા હતા.
આવતીકાલ તા. 14 અને તા. 15ના સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે તેમજ આવતીકાલે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી,નર્મદા,ડાંગ જિલ્લામાં બાકીના જિલ્લાઓ રાજકોટ,જામનગર, પોરબંદર, જુનાગઢ,મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દિવ વગેરે વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા અને તીવ્ર તોફાની પવન સાથે વરસાદની ચેતવણી અપાઈ છે.

