ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ખેડૂતો ખુશ; જુઓ ક્યાં ક્યાં વરસાદ પડ્યો
Rain in Gujarat: ગુજરાતમાં અનેક જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (15મી ઑગસ્ટ) ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં લાંબા સમય બાદ વરસાદની પધરામણી થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
સારા વરસાદથી પાકને ફાયદો થતા ખેડૂતો ખુશખુશાલ
મળતી માહિતી અનુસાર, હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં દિવ સહિત કોડીનાર-ઉના અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમરેલીના સાવરકુંડલામાં બપોર બાદ મેઘરાજાનું આગમન થયું હતું. લાંબા વિરામ બાદ સાવરકુંડલામાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો અને અસહ્ય ઉકળાટ અને ગરમીથી પણ લોકોને રાહત મળી.
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના, અકાળા, દુધાળા, ધરમપુર, કાલીંભડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટ જેતપુરના વિવિધ વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કચ્છના લખપતમાં લાંબા વિરામ બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. બનાસકાંઠાના અંબાજીમાં આજે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તા પર ભરાયા પાણી.
15મી અને 16મી ઑગસ્ટે આ જિલ્લામાં ભારે વરસાદ પડશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી ઑગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
16મી ઑગસ્ટ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
17મી અને 18મી ઑગસ્ટની આગાહી
17મી ઑગસ્ટના રોજ ફરીથી વરસાદની તીવ્રતા વધતી દેખાય છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરુચ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.
આ પણ વાંચો: ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત, એકનું મોત, 15 ઈજાગ્રસ્ત
18મી ઑગસ્ટે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
19મીથી 20મી ઑગસ્ટની આગાહી
19મી ઑગસ્ટે તો ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ દિવસે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
20મી ઑગસ્ટ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ગુજરાતમાં સરેરાશ 64 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં સરેરાશ 22 ઇંચ સાથે 64 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અત્યારસુધીના નોંધપાત્ર વરસાદને પગલે ખેતી પણ ખીલી ઊઠી છે. અત્યારસુધી 82 ટકા વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ છે. આ ઉપરાંત 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 69 ટકા છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં સરેરાશ 78 ટકા જળસ્તર છે.