આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર, આંદોલનકારીઓના ડરથી કિલ્લેબંધી કરાઈ
Monsoon session in Gujarat: સોમવારે (આઠમી સપ્ટેમ્બર)થી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસું સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યું છે. આ ચોમાસું સત્ર તોફાની બની રહે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે, પૂર્વ સૈનિકો, શિક્ષક ભરતી મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે તે જોતા ગાંધીનગર પોલીસ છાવણીમાં તબદીલ થયું છે. ગૃહમાં વિપક્ષ વિવિધ મુદ્દાઓ ઊઠાવી સરકારની ઘેરવા સજ્જ છે.
આ મહત્ત્વના વિધેયક રજૂ કરવામાં આવશે
'વિધાનસભા સત્રને સુચારુ રૂપથી ચલાવવા શનિવારે (છઠ્ઠી સપ્ટેમ્બર) વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં સત્ર દરમિયાન કયા વિષયો પર ચર્ચા થશે, કયા બિલો રજૂ થશે અને કયા પ્રસ્તાવ પસાર કરાશે તે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ત્રણ દિવસીય ચોમાસું સત્રમાં કુલ પાંચ મહત્ત્વપૂર્ણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. જેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું 'કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, ગુજરાત માલ અને સેવા કર (દ્વીતીય સુધારા) વિધેયક, ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક, ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન સુધારા) વિધેયક રજૂ કરવામાં આવશે.
સત્રના પહેલા દિવસે શરૂઆત પ્રશ્નોતરી કાળથી થશે. ત્યારબાદ શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે, જેમાં તાજેતરમાં અવસાન પામેલા મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. આ ઉપરાંત સત્ર દરમિયાન 'ઓપરેશન સિંદૂરની સફળતા ઉપરાંત જીએસટી દર ઘટતા અભિનંદન પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે. નવમી અને 10મી સપ્ટેમ્બરે પ્રશ્નોતરી ઉપરાંત વિધેયકો પર ચર્ચા કરવામાં આવશે. ચોમાસું સત્ર તોફાની બની રહેશે કારણ કે, આ વખતે બહુચર્ચિત મનરગા કૌભાંડ મુદ્દે સરકારને ઘેરશે. આ ઉપરાંત મંત્રી બચુ ખાબડનું રાજીનામું પણ માંગશે. ખોટા ખેડૂત બનેલા પૂર્વવિધાનસભા અધ્યક્ષ રમણ વોરાનો મુદ્દ પણ ઊઠાવી વિપક્ષ સરકાર પાસે જવાબ માંગશે, જ્યારે તાપી પાર લિંક પ્રોજેક્ટ મુદ્દે પણ આદિવાસી ધારાસભ્યો સરકાર પાસે ખુલાસો માંગે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: 'દવા ખાઓ-પૈસા કમાઓ' : ક્લિનિકલ ટ્રાયલે અમદાવાદના યુવકની જીંદગી બરબાદ કરી
ઉલ્લેખનીય છે કે, સત્રના પહેલા દિવસ ભાજપનાના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનો વિધાનસભા ગૃહ પ્રવેશ કરશે.
500થી વધુ પોલીસ-એસઆરપી જવાનો તહેનાત
વિધાનસભા સંકુલ આસપાસ લોખંડી સુરક્ષા ગોઠવાઈ છે. સત્ર દરમિયાન ગાંધીનગર શહેરમાં 2 એસપી, 6 ડીવાયએસપી, 30 પોલીસ ઈન્સ્પેક્ટર, 60 પોલીસ સબ ઈન્સ્પેક્ટર તેમજ 500થી વધુ પોલીસ સહિત એસઆરપી જવાનો તહેનાત કરાયા છે. એટલું જ નહીં કોઈપણ ઘટના સમયે તાત્કાલિક પહોંચી વળવા ક્વિક રિસ્પોન્સ ટીમ પણ ગોઠવવામાં આવી છે. વિધાનસભા સંકુલ ફરતે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે. વિધાનસભા ઘેરાવને પગલે પાટનગરની કિલ્લેબંધી કરાઈ છે.
ભારે વરસાદને પગલે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રદ
ગુજરાતમાં છેલ્લાં એકાદ બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠા સહિત અન્ય છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે રેડ ઍલર્ટ અપાયું છે. આજથી વિધાનસભા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પહેલા દિવસે છે ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ઘેરાવ કરવા એલાન આપ્યું હતું, પરંતુ જે રીતે આખા રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક રસ્તા બંધ છે જેથી વાહન વ્યવહારને અસર પહોંચી છે. નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. આ આ સ્થિતિ જોતા ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રદ કર્યો છે.