'દવા ખાઓ-પૈસા કમાઓ' : ક્લિનિકલ ટ્રાયલે અમદાવાદના યુવકની જીંદગી બરબાદ કરી
Clinical Trial In Ahmedabad: ગુજરાત દવાના ઉત્પાદનમાં તો મોખરે રહ્યું છે, પરંતુ હવે લાગી રહ્યું છે કે, ક્લિનિકલ ટ્રાયલમાં પણ રાજ્ય અગ્રેસર રહ્યુ છે. ગુજરાતમાં જાણે અનઅધિકૃત કલિનિકલ ટ્રાયલનો ધીકતો ધંધો ફૂલ્યો ફાલ્યો છે, જેના કારણે બેરોજગારોએ કમાણીની લહાયમાં ક્લિનિકલ રિસર્ચ માટે આંધળી દોટ મૂકી છે. પરંતુ તેમને એ વાતનો ખ્યાલ નથી કે, રૂપિયા ખાતર તે તેમના જીવને જોખમમાં મૂકી રહ્યાં છે. દવાની આડઅસર થતાં નુકશાન વેઠવુ પડે છે. અમદાવાદમાં સરખેજમાં રહેતાં એક યુવકની ક્લિનિકલ ટ્રાયલને લીધે જીંદગી બરબાદ થઈ છે. દવાની આડઅસર થતાં યુવક શારીરીક અને માનસિક બિમારીનો ભોગ બન્યો છે.
ક્લિનિકલ ટ્રાયલનો વેપલો ધમધમી રહ્યો
અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઈવે અને સાણંદ સ્થિત ફાર્મા કંપનીઓના ક્લિનિકલ રિસર્ચ સેન્ટર બેરોજગાર યુવા-મહિલાઓ માટે જાણે આર્શિવાદરૂપ બન્યાં છે. એટલુ જ નહીં, મસમોટુ કમિશન મેળવવા માટે દલાલો જ સક્રિય છે જે પૈસાની લાલચ આપી અભણ અને બેરોજગાર યુવાઓને ક્લિનિક્લ રિસર્ચ સેન્ટર સુધી ખેંચી લાવે છે. મહત્ત્વની વાત એછે કે, બેરોજગાર અભણ યુવા-મહિલાઓને દવાની આડઅસર અન્ય કાયદાકીય માહિતીથી વંચિત રાખવામાં આવે છે. માત્ર 'દવા-ટેબલેટ ખાઓ-પૈસા કમાવો' આ જ સૂત્ર થકી ક્લિનિકલ ટ્રાયલનો વેપલો ધમધમી રહ્યો છે.
એક સંતાનના પિતાની જીંદગી બરબાદ થઈ
અમદાવાદમાં સરખેજમાં રહેતા અફઝલ અજમેરી મેકેનિક કરી ઘરનું નિર્વાહ કરતો હતો, પરંતુ એક એજન્ટનો સંપર્ક થતાં તે ક્લિનિકલ ટ્રાયલ માટે તૈયારી દર્શાવી હતી. તેનું કહેવું છે કે, 'છેલ્લાં પાંચ-છ વર્ષથી ક્લિનિકલ ટ્રાયલ થકી જ પૈસા કમાતો હતો. ત્રણ-ચાર દિવસમાં ફાર્મા કંપનીના ક્લિનિક્લ રિસર્ચ સેન્ટર પર રોકાઈને જે તે દવા-ટેબલેટ ખાવાની અને દિવસમાં અમુક કલાકે લોહી આપવાનું બસ. જેના પેકેજ પેટે 10થી 15 હજાર રૂપિયા આપતા હતા.'
સામાન્ય રીતે એક વ્યક્તિ વર્ષમાં એકાદ-બે વાર જ ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લઈ શકે પણ અફઝલ શેખનું કહેવું છે કે, 'પૈસા ખાતર તે વર્ષમાં ચાર-પાંચ વાર ક્લિનિકલ ટ્રાયલ માટે જતો હતો. લાંબા સમયથી ક્લિનિકલ ટ્રાયલમાં જતાં હવે તે દવાની આડઅસરનો ભોગ બન્યો છે. અફઝલ હવે કોઈ કામ કરવા સમક્ષ નથી. શરીર સાથે આપે તેમ નથી. તેની માનસિક સ્થિતિ પણ એટલી હદે કથળી છે કે, એકાંત ગમે છે. કલાકો સુધી એકલો બેસી રહે છે. એક સંતાનના પિતાની આજે જીંદગી બરબાદ થઈ છે.
'ફાર્મા કંપનીઓ અભણ યુવા-મહિલાઓને દવાની આડઅસરથી અજાણ રાખે છે'
અનઅધિકૃત ક્લિનિકલ ટ્રાયલ સામે સામાજીક કાર્યકર અહેમદહુસેન કંસારાએ અવાજ ઊઠાવ્યો છે. તેમણે કહ્યું કે, 'સરખેજ, ફતેહવાડી સહિત અન્ય વિસ્તારોમાં માત્ર બેરોજગારો યુવાઓ જ નહીં, મહિલાઓ પણ ક્લિનિકલ ટ્રાયલ માટે જાય છે. અફઝલ શેખની બહેન પણ ક્લિનિકલ ટ્રાયલને લીધે બિમારીનો ભોગ બની છે. ફાર્મા કંપનીઓ અભણ યુવા-મહિલાઓને દવાની આડઅસર વિશે અજાણ રાખે છે, ત્યારે અમે સ્થાનિક લોકોની મદદથી જનજાગૃતિ કેળવવા નક્કી કર્યુ છે. જેથી કોઈનુ મહામુલુ જીવન બરબાદ ન થાય. દવાની આડઅસર થાય તો ફાર્મા કંપનીઓ પાસેથી કાયદાકીય રીતે વળતર મેળવવા માટે તૈયારી કરી છે.'
આ પણ વાંચો: બનાસકાંઠાના સુઇગામમાં 14 ઈંચ તો કચ્છના રાપરમાં 9.25 ઈંચ વરસાદથી જળબંબાકાર
વી.એસ. હોસ્પિટલમાં અનઅધિકૃત ક્લિનિકલ ટ્રાયલનો પદાફાશ થયો
યુરોપના દેશોમાં ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી મળતી નથી પરિણામે ભારત સહિત અન્ય અવિકસીત દેશોમાં ક્લિનિક્લ ટ્રાયલનો વેપલો ધમધમી રહ્યો છે. તેનું કારણ એછે કે, ક્લિનિકલ ટ્રાયલ પર નજર રખાતી નથી. નિયમો નેવે મૂકી અનઅધિકૃત ક્લિનિકલ ટ્રાયલો કરીને ઘૂમ કમાણી કરવામાં આવી રહી છે. થોડાક વખત પહેલાં જ વી.એસ. હોસ્પિટલમાં અનઅધિકૃત કલિનિકલ ટ્રાયલનો પર્દાફાશ થયો હતો.
ગરીબી-બેરોજગારીને યુવાઓ 'ગીનીપીગ' બની રહ્યા છે
ગુજરાતમાં બેરોજગારીએ ફેણ માંડી છે. આ ઉપરાંત કારમી મોંઘવારીમાં જીવનનિર્વાહ કરવું દોહ્યલું બન્યુ છે, ત્યારે નાછૂટકે બેરોજગાર યુવાઓએ પૈસા કમાવવા ક્લિનિકલ ટ્રાયલની પસંદગી કરી છે. આમેય ગરીબ દર્દીઓ અને બેરોજગાર યુવાનો ફાર્મા કંપનીઓના નિશાના પર હોય છે. વચેટિયા-એજન્ટોના માધ્યમથી બેરોજગારો યુવાઓને ગીનીપીગ બની રહ્યાં છે.
10-15 હજાર ખાતર જીવના સોદા, ગંભીર બિમારીને નોતરું
કલિનિકલ ટ્રાયલમાં ભાગ લેનારાંઓને એ વાતથી અજાણ હોય છે કે, 10-15 હજાર તો મળી જાય છે, પરંતુ જો દવાની આડઅસર થાય તો ગંભીર બિમારીને આમંત્રણ પણ મળે છે. ક્લિનિકલ ટ્રાયલમાં વપરાતી દવાથી શરીરમાં વિકૃતિ આવી શકે છે. ખોડખાંપણ થઈ શકે છે. કેન્સર જેવી લાઈલાજ બિમારીને નોતરું મળી શકે છે.