Gujarat

ગુજરાત વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે વિપક્ષના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે દેખાવો

By GS TEAM
8 Sep 20252 mins read
TukuTouch Logo
સોમવારે (આઠમી સપ્ટેમ્બર)થી ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસું સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે પહેલા દિવસે ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ રાજ્યમાં વરસાદની સ્થિતિ જોતાં ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રદ કર્યો છે. જો કે, કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર હાથમાં પોસ્ટરોને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે વિપક્ષના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે દેખાવો

Monsoon Session In Gujarat: સોમવારે (આઠમી સપ્ટેમ્બર)થી ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસું સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે પહેલા દિવસે  ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ રાજ્યમાં વરસાદની સ્થિતિ જોતાં ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રદ કર્યો છે. જો કે, કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર હાથમાં પોસ્ટરોને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.

વિધાનસભાની બહાર કોંગ્રેસના ધારાસભ્યોનો દેખાવો

મળતી માહિતી અનુસાર, રવિવારે (સાતમી સપ્ટેમ્બર) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિને જોતાં વિધાનસભામાં ઘેરાવનો કાર્યક્રમ રદ કર્યો હતો. જો કે, આજ(આઠમી સપ્ટેમ્બર)થી વિધાનસભાની બહાર કોંગ્રેસ ધારાસભ્યોએ ભ્રષ્ટાચાર સહિત વિવિધ મુદ્દાઓને લઈને હાથમાં પોસ્ટરો રાખી દેખાવો કર્યો હતો. મનરેગામાં ભ્રષ્ટાચાર મુદ્દે બચુ ખાબડની ધરપકડની માગ સહિતના મુદ્દે કોંગ્રેસ સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યો હતો.  


આ પણ વાંચો: VIDEO: કચ્છમાં મૂશળધાર 15 ઈંચ વરસાદ, અનેક રસ્તા અને શાળા-કોલેજો બંધ, જનજીવન ઠપ

આપ નેતા ચૈતર વસાવા વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપશે

બીજી તરફ દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી ચૈતર વસાવા જેલમાં બંધ હતા. કોર્ટે ચૈતર વસાવાને વિધાનસભામાં હાજર રહેવા માટે 3 દિવસના શરતી જામીન મંજૂર કરતાં તેઓ વડોદરા મધ્યસ્થ જેલમાંથી બહાર આવી ગયા છે. આજથી શરુ થતાં વિધાનસભાના ચોમાસું સત્રમાં પોલીસ જાપ્તા સાથે હાજરી આપશે. 

500થી વધુ પોલીસ-એસઆરપી જવાનો તહેનાત

ગુજરાત વિધાનસભા સંકુલ આસપાસ લોખંડી સુરક્ષા ગોઠવાઈ છે. સત્ર દરમિયાન ગાંધીનગર શહેરમાં 2 એસપી, 6 ડીવાયએસપી, 30 પોલીસ ઈન્સ્પેક્ટર, 60 પોલીસ સબ ઈન્સ્પેક્ટર તેમજ 500થી વધુ પોલીસ સહિત એસઆરપી જવાનો તહેનાત કરાયા છે. એટલું જ નહીં કોઈપણ ઘટના સમયે તાત્કાલિક પહોંચી વળવા ક્વિક રિસ્પોન્સ ટીમ પણ ગોઠવવામાં આવી છે. વિધાનસભા સંકુલ ફરતે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે. વિધાનસભા ઘેરાવને પગલે પાટનગરની કિલ્લેબંધી કરાઈ છે.