Get The App

અરવલ્લીમાં પતિએ મોબાઇલ ફોનની જીદ પૂરી ન કરતાં 22 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
અરવલ્લીમાં પતિએ મોબાઇલ ફોનની જીદ પૂરી ન કરતાં 22 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો 1 - image


Aravalli News: અરવલ્લી જિલ્લાના મોડાસાના ભવાનપુર વિસ્તારમાં 22 વર્ષીય પરપ્રાંતિય યુવતીએ નવો મોબાઈલ ફોન ન મળતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સામાન્ય બોલાચાલી બાદ આવેશમાં આવીને યુવતીએ ભરેલા આ પગલાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મોબાઈલ માટે થયો હતો ગૃહકલેશ

મળતી માહિતી અનુસાર, મૂળ નેપાળનું એક દંપતી રોજગારીની શોધમાં મોડાસા આવ્યું હતું અને ભવાનપુર વિસ્તારમાં રહીને ચાઈનીઝની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતું હતું. 22 વર્ષીય ઉર્મિલા રીજાન નામની યુવતીએ તેના પતિ પાસે નવો મોબાઈલ ફોન લઈ આપવાની માંગ કરી હતી. આર્થિક પરિસ્થિતિ અથવા અન્ય કોઈ કારણોસર પતિએ હાલ મોબાઈલ લાવી આપવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સામાન્ય વાત જોતજોતામાં ગૃહકલેશમાં ફેરવાઈ ગઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદના એસજી હાઇવે પર કાર-એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માત, યુવકનું મોત અને યુવતી ગંભીર

ઘરે ગળેફાંસો ખાઈ લીધો

પતિ દ્વારા મોબાઈલ લાવી આપવાની સ્પષ્ટ ના પાડવામાં આવતા ઉર્મિલાબેન અત્યંત આવેશમાં આવી ગયા હતા. પતિ કામકાજમાં વ્યસ્ત હતો તે દરમિયાન ઉર્મિલાએ પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આસપાસના લોકોને ઘટનાની જાણ થતા જ અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા જ મોડાસા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.  પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.

હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પતિ અને આસપાસના લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.