વલસાડના કપરાડામાં સગીરા સાથે આસલોણાના શખ્સે આચર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીને દબોચ્યો

Valsad News : વલસાડના કપરાડામાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. સગીરા બીમાર રહેતી હોવાથી આરોપીએ સારવાર કરવાના બહાને તેના ઘરે રોકી રાખી અને ડુંગર પર જઈને દુષ્કર્મ કર્યુ હતું. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કપરાડામાં સગીરા સાથે આસલોણાના શખ્સે આચર્યુ દુષ્કર્મ
મળતી માહિતી મુજબ, વલસાડના પારડીમાં રહેતી 14 વર્ષની સગીરાની તબિયત ખરાબ રહેતી હોવાથી પરિવારે કપરાડાના આસલોણા ગામે રહેતા શંકર વળવી નામના વ્યક્તિના ત્યાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં સારવાર માટે સગીરાના પરિવાર ત્રણ દિવસ રોકાયા હતા.
આ દરમિયાન આરોપી શંકરે સગીરાના પરિવારે જણાવ્યું કે, 'તમારી દીકરીને સાજી થવામાં સમય લાગશે, એટલે જ્યારે તે સાજી થશે ત્યારે હું તેને મૂકી જઈશ.' જેમાં આરોપીના કહેવાથી સગીરાને ત્યાં જ રાખીને જતાં રહ્યા હતા. આ પછી એકલતાનો લાભ લઈને આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
સમગ્ર બનાવ મામલે સગીરાએ પરિવારને જાણ કરતાં ઘટનાને લઈને કપરાડા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 64(J), 65(1), 68(A) તથા પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો. કેસ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.