માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: 'જાડિયો' કહેનારા મિત્ર પર ગુસ્સે થઈને ધારદાર હથિયારથી કર્યો હુમલો, કિશોરને ઇજા
Mahesana News : ગુજરાતમાં યુવાનોમાં ધીરજ ખૂટી હોવાના કિસ્સા સામે આવતા હોય છે. સામાન્ય વાતમાં પણ યુવાનો-સગીરો મારામારી કે હુમલો કરવા પર ઉતરી આવે છે અને ઘટનાને મોટું અંજામ આપી દે છે. ત્યારે મહેસાણામાં મજાક-મજાકમાં મિત્રને ખીજવતા અન્ય મિત્રએ ધારદાર હથિયાર લાવીને હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. બંને કિશોર સગીર છે. ઘટનામાં કિશોર ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે હુમલો કરનારા સગીરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
'જાડિયો' કહેતા સગીર મિત્રએ ધારદાર હથિયારથી કર્યો હુમલો
મળતી માહિતી મુજબ, રાજ્યમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. મહેસાણામાં તેજસ્વી સોસાયટીના ગેટ પાસે કિશોર પર છરીથી હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે સગીર મિત્ર મજાકમસ્તી કરી રહ્યા હતા. આ દરમિયાન એક કિશોરે જાડિયો કહીને ખીજવતા અન્ય કિશોર ઉશ્કેરાયો હતો અને પોતાના ઘરેથી ધારદાર હથિયાર લાવીને ખીજવનારા મિત્ર પર હુમલો કરીને ભાગી ગયો હતો. જેમાં કિશોરને હાથના ભાગે ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો: મોબાઈલ ફોનમાં ગેમ રમવા બાબતે પિતાએ ઠપકો આપતા 16 વર્ષનો પુત્ર ઘર છોડી ચાલ્યો ગયો
સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકો-પરિવાર સ્થળ પર આવીને ઈજાગ્રસ્ત કિશોરને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યારે બનાવ અંગે પરિવારે પોલીસને જાણ કરતાં એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે હુમલો કરનારા કિશોરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.