મોબાઈલ ફોનમાં ગેમ રમવા બાબતે પિતાએ ઠપકો આપતા 16 વર્ષનો પુત્ર ઘર છોડી ચાલ્યો ગયો
Vadodara : પિતાએ મોબાઈલ ફોનમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતા 16 વર્ષનો પુત્ર મોડી રાત્રે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જઈ ગુમ થવા અંગે ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે શોધખોળ શરૂ કરી હતી.
શહેરના આજવા રોડ ખાતે રહેતો 16 વર્ષીય વિદ્યાર્થી કોમ્પ્યુટર એન્જિનિયરના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. ગઈ તા. 10 સપ્ટેમ્બરના રોજ રાત્રે તે મોબાઈલ ફોન ઉપર ગેમ રમી રહ્યો હોય પિતાએ તેની પાસેથી મોબાઇલ ફોન આંચકી લઈ ગેમ રમવા બાબતે ઠપકો આપ્યો હતો. ત્યારબાદ મોડીરાત્રે પુત્ર ઘર છોડી ચાલ્યો ગયો હોવાની જાણ પિતાને થઈ હતી. સોસાયટીમાં તથા સંબંધીઓના ઘરે તપાસ કરતા તેની કોઈ ભાળ મળી ન હતી. તેણે બ્લેક કલરની ટીશર્ટ તથા ક્રીમ કલરનો બર્મુડો પહેર્યો છે. અંતિમ વખત સગીર વાઘોડિયા ચોકડી પાસેના કેમેરામાં વૃદ્ધાવન ચાર રસ્તા તરફ ચાલતો જતો નજરે ચડ્યો હતો.