Get The App

છોટા ઉદેપુર: સુસ્કાલ ગામે કૂવામાં રેતી વોશ કરવા ઉતરેલા સગીરનું કરંટ લાગતા મોત, માલિકની ગંભીર બેદરકારીનો આરોપ

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
Chhota Udepur


Chhota Udepur News : છોટાઉદેપુરના સુસ્કાલ ગામે રેતી વોશ કરવા માટે બનાવેલા કૂવામાં કરંટ લાગતા એક સગીરનું કરૂણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પરિવારજનોએ રેતી સ્ટોક માલિકની ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી ડેડબોડીને લેવાનો ઇન્કાર કર્યો છે. 

કરંટ લાગતા એક સગીરનું મોત

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર સુસ્કાલ ગામે મીરા એન્ટર પ્રાઇઝમાં રેતીનો સ્ટોક કરીને તેને વોશ કરવામાં આવે છે. જેમાં રેતી વોશિંગ દરમિયાન કૂવામાં માટી સાફ કરવા ઉતરેલા મજૂર ત્રણ ભાઈઓમાંથી એક સગીરને કરંટ લાગ્યો હતો. જોરદાર કરંટ લાગતા સગીરને તાત્કાલિક બોડેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં બે ભાઈનો આબાદ બચાવ થયો હતો. 

રેતી સ્ટોક માલિકની ગંભીર બેદરકારીનો આક્ષેપ

સમગ્ર ઘટનાને પગલે મૂળ પંચમહાલ જિલ્લાના ગુસર નવી વસાહતના રહેવાસી મૃતક સગીરના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. શ્રમિક પરિવારે દીકરો ગુમાવ્યો છે, ત્યારે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, ઘટનાસ્થળે વીજ વાયરોમાં ઠેર-ઠેર ટેપિંગ મારેલી હતી અને તૂટેલાં-લટકતા વાયરોના કારણે ઘટના બની છે. 

આ પણ વાંચો: અમરેલી: સાવરકુંડલામાં સસ્તા અનાજનું કૌભાંડ પકડાયું, 1 લાખ 19 હજારનો મુદ્દામાલ જપ્ત

વધુમાં તેમણે જણાવ્યું કે, કોઈપણ સુરક્ષા સાધન વગર સગીરને કૂવામાં ઉતારવામાં આવ્યા હતા. સ્ટોક માલિકની ગંભીર બેદરકારીને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દીકરાનું મોત થતાં પરિવારજનોએ યોગ્ય વળતળની માગ કરી છે. બનાવને 24 કલાક વીતી ગયા હોવા છતાં મૃતદેહ પી.એમ. રૂમમાં છે, ત્યારે જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી ડેડબોડી લેવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો છે.